Site icon Revoi.in

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લીધે કેસર કેરીના પાકને ભારે નુકસાન

Social Share

અમરેલીઃ જિલ્લામાં વૈશાખે અષાઢી માહોલ સર્જાયો છે, જિલ્લામાં કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકમાં ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. પવન સાથે જોરદાર કરા અને વરસાદ પડતા આંબા પરથી કેરીઓ ખરી પડતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

અમરેલીના સાવરકુંડલા, ચલાલા અને ધારી સહિતના વિસ્તારોમાં કેસર કેરીના અનેક બગીચાઓ આવેલા છે. ખેડુતો કેસર કેરીના આંબા ઈજારાથી આપી દેતા હોય છે. અને ઈજારદારો આંબાઓ પરનો ફાલ જોઈને રકમ નક્કી કરતા હોય છે. એક ઈજારદારના કહેવા મુજબ  ધારી વિસ્તારમાં ડીટલા ગામમાં આંબાનો ઇજારો રાખે છે. તેઓ છેલ્લા 10 વર્ષથી ધારી, સાવરકુંડલા અને ખાંભાના ગ્રામીણ વિસ્તારોમાં ઇજારો રાખતા આવ્યા છે. આ વખતે અચાનક કમોસમી વરસાદ અને પવનની સાથે આંબા પર રહેલી કેરીઓ નીચે પડી ગઈ છે, જેના કારણે ભારે નુકસાન થયુ છે. 15 વીઘાના બગીચામાં ત્રણ લાખથી વધુનું નુકસાન થયું છે.  ચાલુ સિઝનમાં ફ્લાવરિંગ સરસ આવ્યું હતું, પરંતુ ઇજારો લેવાની સાથે જ ફ્લાવરિંગ ખરવા લાગ્યું હતું, જેના કારણે ઇજારેદારને ભારે નુકસાન થયું છે. ત્યારબાદ કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે આંબા પર રહેલી કેરી ખરી પડી છે અને હવે આંબા પર રહેલી કેરીમાં રોગ અને જીવાતનો ભરાવો આવશે, જેથી કેરીનું મોટું નુકસાન થશે. ઇજારેદારને આ સિઝનમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે, જેને કારણે તેમને ત્રણ લાખથી વધુનું નુકસાન થયું છે.

અમરેલી જિલ્લામાં અસામાન્ય વરસાદને કારણે આંબાના બગીચા લહેરાઈ ગયા છે, જે આ વખતે વરસાદ વિઘ્નરૂપ સાબિત થયો છે. હવે કેરી ખાવાના રસિકોને કેરી માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે, ખેડૂતો અને ઇજારેદારોને લાખો રૂપિયાની નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.  પ્રથમ ફ્લાવરિંગ ખરી પડતાં મોટું નુકસાન થયું અને પછી અસામાન્ય વરસાદના કારણે 50% જેટલો માલ જ બચ્યો. હાલ, આંબા પર 2% થી 5% સુધીનો માલ જ બચ્યો છે, જેના કારણે ખેડૂતો અને ઇજારેદારોને ભારે નુકસાની ભોગવવી પડી રહી છે.