 
                                    પીપાવાવ પોર્ટમાં આવેલી ખાનગી બેંકમાં ચોરીનો પ્રયાસ: તસ્કરે હુમલો કરતા પોલીસનો ગોળીબાર
અમરેલી : રાજુલા શહેર નજીક પીપાવાવ પોર્ટમાં આવેલી એક્સિસ બેંકમાં તસ્કરએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. બેંકમાં ચોરી કરવા ઘૂસેલા શખસે હુમલાનો પ્રયાસ કરતા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં ધર્મપ્રિતસિંહા મેજરસિંહા નામના શખસને ઇજા થઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીપાવાવ પોર્ટ પાસે આવેલી એક્સિસ બેંકના પાછળના ભાગેથી મધરાત્રે એક શખસ ચોરી કરવા માટે ઘૂસ્યો હતો પણ બેંકની એલર્ટ સિસ્ટમનાં કારણે બેંકના મેનેજર અને હેડ ઓફિસમાં જાણ થઈ હતી. બેંકના મેનેજરે તાકીદે અમરેલી પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો. આથી કંટ્રોલ રૂમે તાત્કાલિક પીએસઆઇ  અને તેની ટીમને સત્વરે બેંક પર મોકલ્યા હતા. બેંક પર પહોંચેલા પીએસઆઇ અને તેની ટીમે બેંકમાં ઘૂસેલા શખસને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ એ શખસે લોખંડની ટોમી (પાઇપ)થી પોલીસ પર હુમલો કર્યો હતો. આથી પીએસઆઇએ સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં હુમલો કરનારા શખસને ઇજા થઈ હતી. બાદમાં એ શખસની અટકાયત કરીને તેને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસની પૂછપરછમાં એ શખસે તેનું નામ ધર્મપ્રિતસિંહા મેજરસિંહા હોવાનું જણાવ્યું હતું.
આ બનાવની જાણ થતાં અમરેલીના એસપી નિર્લિપ્ત રાય, સાવરકુંડલાના ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો  હતો. એફએસએલની મદદ લઇને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ઇજાગ્રસ્ત ધર્મપ્રિતસિંહા સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ ? કોઈ ગેંગનું કારસ્તાન છે કે કેમ ? અગાઉ આ રીતે કોઇ બેંકમાં ચોરી કે લૂંટ કરી છે કે કેમ ? તેના સહિતની વિગતો મેળવવા પ્રયાસ ચાલી રહ્યા છે. પીપાવાવ પોર્ટ હાઇ સિક્યુરિટી ઝોનમાં આવે છે આમ છતાં કોઇ સિક્યુરિટીનાં પગલાં લેવાતાં નથી, અગાઉ એક્સિસ બેંકનું જ એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. બેંકની એલર્ટ સિસ્ટમનાં કારણે મોટી ચોરી થતા રહી ગઈ છે ત્યારે  આગામી દિવસોમાં કેવા પગલાં લેવામાં આવે છે તેના પણ લોકો નજર રાખી રહ્યા છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

