
દિલ્હી: અમેરિકાનાં વિદેશ મંત્રી મહામહિમ એન્ટની બ્લિન્કેન અને સંરક્ષણ મંત્રી મહામહિમ લોઇડ ઑસ્ટિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
બંને સચિવોએ વડાપ્રધાન ને “2+2” ફોર્મેટમાં ભારતનાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે તેમની ચર્ચા પર ટૂંકમાં જાણકારી આપી હતી.
તેમણે દ્વિપક્ષીય સહકારનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં સંરક્ષણ, સેમિકન્ડક્ટર્સ, ઉભરતી ટેકનોલોજી, અંતરિક્ષ, સ્વાસ્થ્ય, જૂન, 2023માં પ્રધાનમંત્રીની અમેરિકાની સત્તાવાર મુલાકાત અને નવી દિલ્હીમાં જી-20 શિખર સંમેલનની સાથે-સાથે બંને નેતાઓ વચ્ચેની બેઠક સામેલ છે.
વડાપ્રધાનએ તમામ ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને નોંધ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે વિસ્તૃત વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી લોકશાહી, બહુલવાદ અને કાયદાનાં શાસન માટે સન્માનમાં મહત્ત્વપૂર્ણ છે.
તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વિકાસ સહિત પારસ્પરિક હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે આ મુદ્દાઓ પર ભારત અને અમેરિકા વચ્ચે સતત ગાઢ સંકલન સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાનએ રાષ્ટ્રપતિ બાઈડેનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે, તેઓ તેમની સાથે આદાનપ્રદાન ચાલુ રાખવા આતુર છે.
મુલાકાતના બીજા દિવસે પીએમ મોદીને મળ્યા બાદ બ્લિંકને ટ્વીટ કર્યું હતું કે વાતચીત બંને દેશો માટે ફાયદાકારક છે.
બ્લિન્કેનએ કહ્યું કે, મેં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી કે કેવી રીતે યુનાઈટેડ સ્ટેટ્સ અને ભારત એક ખુલ્લા અને સુરક્ષિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા છે. હું બંને દેશોના ઉજ્જવળ ભવિષ્ય માટે ટેક્નોલોજી, સ્વચ્છ ઊર્જામાં અમારી નવીનતાઓ ચાલુ રાખવા માટે આતુર છું.