Site icon Revoi.in

ભારત પર અમેરિકાનો 50% ટેરિફ લાગુ, જાણો કયા સેક્ટર્સને થશે વધારે અસર

Social Share

ન્યૂયોર્ક/વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ઑઇલની ભારત તરફથી કરવામાં આવતી ખરીદી પર કડક વલણ અપનાવતાં ભારતીય પ્રોડક્ટ્સ પર વધારાનો 25 ટકા શુલ્ક લગાવ્યો છે. આ સાથે ભારત પર લાગુ અમેરિકન ટેરિફ હવે **કુલ 50 ટકા** થઈ ગયો છે, જે બુધવારથી અમલમાં આવ્યો છે. અમેરિકાના હોમ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે આ વધારેલો ટેરિફ 27 ઓગસ્ટ, 2025થી લાગુ થશે. 17 સપ્ટેમ્બર, 2025 સુધીના ટ્રાન્ઝિશન પીરિયડમાં જો આયાતકર્તાઓ ખાસ કોડ જાહેર કરશે તો તેમને રાહત મળી શકશે.

ટ્રમ્પે 7 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે, ભારત પર લાગુ ટેરિફને દોઢ ગણો કરી 50 ટકા કરવામાં આવશે, પરંતુ સમજૂતી માટે 21 દિવસની મર્યાદા આપવામાં આવી હતી.  બીજી બાજુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતો, પશુપાલકો અને લઘુ ઉદ્યોગોના હિતમાં કોઈ સમજૂતી કરવામાં નહીં આવે. તેમણે ચેતવણી આપી કે દબાણ વધશે પણ ભારત મજબૂત રીતે ઉભું રહેશે.

અમેરિકા ભારત પાસેથી દર વર્ષે અંદાજે 10.9 અબજ ડૉલરનું કાપડ આયાત કરે છે. હવે આ ક્ષેત્રને મોટો ઝાટકો લાગી શકે છે. લગભગ 10 અબજ ડૉલરનો હીરા અને આભૂષણ ઉદ્યોગ પણ સીધો અસરગ્રસ્ત થશે. આ ઉપરાંત મશીનરી અને સાધનો, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ, મેટલ અને કેમિકલ્સ અને હેન્ડીક્રાફ્ટ્સના વ્યવસાયને અસર થશે.

તિરુપુર, નોઇડા, સુરત અને વિશાખાપટ્ટનમ જેવા શહેરોમાંથી અમેરિકા તરફ મોટા પ્રમાણમાં માલ મોકલવામાં આવે છે. પરંતુ નવા ટેરિફ પછી નિકાસમાં ઘટાડો થવાની આશંકા છે.ક્રિસિલ રેટિંગ્સના અંદાજ મુજબ, કેટલાક પ્રોડક્ટ્સની નિકાસ 70% સુધી ઘટી શકે છે.