Site icon Revoi.in

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રક અને બસના આયાત પર નવો ટેરિફ લગાવ્યો

Social Share

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આદેશ આપ્યો છે કે,1 નવેમ્બરથી આયાત કરાયેલા મધ્યમ અને ભારે ટ્રકો તેમજ તેમના ભાગો પર 25% નવો ટેરિફ લાગુ કરવામાં આવશે. સાથે જ આયાતિત બસો પર 10% ટેરિફ લાગુ થશે. અધિકારીઓએ જણાવ્યું કે આ ટેરિફ રાષ્ટ્રીય સુરક્ષાના આધારે લગાવવામાં આવી રહ્યા છે અને તેનો હેતુ વધુ ઓટો ઉત્પાદનને અમેરિકા અંદર ખસેડવાનો છે. આ નિર્ણય મેક્સિકો માટે મોટો આર્થિક ઝટકો બની શકે છે, કારણ કે તે અમેરિકાને આવા ટ્રકોનો સૌથી મોટો નિકાસકાર દેશ છે.

ટ્રમ્પના આદેશ અનુસાર, અમેરિકન વાહન નિર્માતા કંપનીઓને 2030 સુધી દેશમાં એસેમ્બલ થયેલા વાહનો માટે 3.75 ટકા ક્રેડિટ મળશે. આ ક્રેડિટ આયાતિત પાર્ટ્સ પર લાગતા ટેરિફના બોજને ઘટાડવામાં મદદરૂપ બનશે. ઉપરાંત, અમેરિકન એન્જિન ઉત્પાદન અને મધ્યમ તથા ભારે ટ્રક ઉત્પાદન માટે પણ 3.75 ટકા ક્રેડિટ આપવામાં આવશે.

નવા ટેરિફમાં કેટેગરી-3થી કેટેગરી-8 સુધીના તમામ પ્રકારના ટ્રકો આવરી લેવાયા છે, જેમાં મોટા પિકઅપ ટ્રક, મૂવિંગ ટ્રક, કાર્ગો ટ્રક, ડમ્પ ટ્રક અને 18-વ્હીલર ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. ટ્રમ્પે જણાવ્યું કે આ પગલું અમેરિકન ઉત્પાદકોને અયોગ્ય વિદેશી સ્પર્ધાથી સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ્યું છે. આ નિર્ણયથી પીટરબિલ્ટ, કેનવર્થ અને ફ્રેટલાઈનર જેવી અમેરિકન કંપનીઓને સીધો લાભ થશે.

અમેરિકન ચેમ્બર ઑફ કોમર્સે અગાઉ ટ્રમ્પને વિનંતી કરી હતી કે ટ્રકો પર નવા ટેરિફ ન લગાવવામાં આવે. તેમનું કહેવું હતું કે, મેક્સિકો, કેનેડા, જાપાન, જર્મની અને ફિનલૅન્ડ જેવા દેશો અમેરિકા ના સહયોગી દેશો છે અને રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ જોખમ નથી પહોંચાડતા.