
લોકસભા ચૂંટણી બાદ મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વખત અમેરિકા વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો ભારતની મુલાકાતે આવશે. ત્રણ દિવસની આ મુલાકાત 25થી 27 જૂન સુધીની હશે. વિદેશ મંત્રાલય દ્વારા આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આના સંદર્ભે જાણકારી આપતા કહ્યુ છે કે ચૂંટણી બાદ ભારત અને અમેરિકા વચ્ચે આ પહેલી ઉચ્ચસ્તરીય વાટાઘાટો હશે. પોમ્પિયો પોતાની ભારત મુલાકાત દરમિયાન સૌથી પહેલા વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે વાતચીત કરશે અને ભારત સરકારના અન્ય વરિષ્ઠોની સાથે પણ મુલાકાત કરશે. માઈક પોમ્પિયો તાજેતરમાં મોદી હૈ તો મુમકિન હૈ બોલીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે ભારતના પ્રવાસ પહેલા જ આ વાત કહી હતી.
માઈક પોમ્પિયોએ કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદીએ પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનમાં કહ્યુ હતુ કે મોદી હૈ તો મુમકિન હૈ અને તેમણે આ સાચું કરી દેખાડયું. હવે ભારત અને અમેરિકા વચ્ચે સંભાવનાઓના વિસ્તરણ તરફ અમે જોઈ રહ્યા છીએ.
તેમનું માનવું છે કે તેમની નવી દિલ્હી મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના મોટા મુદ્દાઓ અને વિચારો પર ચર્ચા થશે. જેનાથી દ્વિપક્ષીય સંબંધોને નવો મુકામ આપી શકાશે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટગસે કહ્યુ હતુ કે માઈક પોમ્પિયો 24 જૂને નવી દિલ્હી રવાના થશે. માઈક પોમ્પિયોએ કહ્યુ હતુ કે તે પોતાની મુલાકાતની તૈયારી માટે ભારતીય કારોબારીઓના એક સમૂહ સાથે વાતચીત કરશે.