
ઉત્તરપ્રદેશઃ યોગી સરકારના શાસનમાં 65 ગુનેગારોની અઢી હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં માફિયાઓ સામે સીએમ યોગી સરકારે અભિયાન શરૂ કર્યું છે. માફિયાઓના આર્થિક સામ્રાજ્યને તોડી પાડવા માટે એન્ટી માફિયા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. આ ફોર્સે 65 આરોપીઓની ઓળખ કરીને તેમની અઢી હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. દરમિયાન 41 આરોપીઓને સજા પણ અપાવી છે. જ્યારે નવ માફિયાઓના એન્કાઉન્ટરમાં મોત થયાં હતા.
ઉચ્ચ પોલીસ અધિકારી પ્રશાંત કુમારએ જણાવ્યું હતું કે, એન્ટી માફિયા ટાસ્ક ફોર્સની રચના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ અનુસાર કરવામાં આવી છે. જેના પરિણામે અત્યાર સુધીમાં 21 કેસમાં 12 માફિયા અને તેમના 29 સહયોગીઓને સજા અપાવી છે. જે પૈકી બે આરોપીઓને મોતની સજા થઈ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ઓળખી કાઢવામાં આવેલા માફિયાઓની કુલ રૂ. 2524 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. 70 ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યાં છે. 318 જેટલા હથિયારોના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્તાર અંસારી સાથે જોડાયેલા સાત કેસમાં ચાર્જ ફ્રેમની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આકાશ જાડ, કુંતૂ સિંહ, મુનીર, યોગેશ ભદોડા, સુંદર ભાટી, અમિત કસાના, એજાજ, અજીત સિંહ, વિજય મિશ્રા, અનિલ દુજાના સાથે જોડાયેલા આરોપીઓ સામે અલગ-અલગ કેસમાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસને કેટલીક છુટછાટ આપવામાં આવી છે. જેથી ગંભીર ગુનામાં ઘટાડો થયાના દાવા કરવામાં આવ્યાં છે.