
ઉત્તરપ્રદેશઃ સીએમ યોગી આદિત્યનાથને જુના એક કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી
નવી દિલ્હીઃ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં તેમની સામે કેસ ચલાવવાની અરજીને ફગાવી દીધી છે. સીએમ યોગી વિરુદ્ધ 2007માં આ કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઉશ્કેરણીજનક ભાષણના આરોપમાં સીએમ યોગી સામે કેસ ચલાવવાની મંજૂરી નકારી દીધી હતી. અગાઉ મે 2017માં રાજ્ય સરકારે કેસ ચલાવવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે સરકારે કહ્યું કે આ કેસમાં પુરાવા અપૂરતા છે. જેને 2018માં અલ્હાબાદ હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, આ અરજીમાં કોઈ યોગ્યતા નથી. તેથી, આ કેસ ચલાવવાની પરવાનગી આપી શકાય નહીં. વાસ્તવમાં આ મામલો ગોરખપુર રમખાણો સમયનો છે. આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે સીએમ યોગીના કથિત ભાષણની તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.
આ અરજી પહેલીવાર દાખલ કરાઈ તે સમયે દાવો કરવામાં આવ્યો હતો કે સીએમ યોગીના કથિત ભાષણને કારણે આ હંગામો થયો હતો. આ રમખાણ માટે સીએમ જવાબદાર છે. આ અરજી મોહમ્મદ અસદ હયાત અને પરવેઝ વતી દાખલ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રમખાણોમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તે સમયે આદિત્યનાથ ગોરખપુરના સાંસદ હતા. તે સમયે તેમના પર આ ભડકાઉ ભાષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. CJI એનવી રમણ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી કરી હતી.