
લખનૌ. યોગી આદિત્યનાથ આજે ઇકાના સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. આ શપથ સમારોહ સાંજે 4 કલાકે યોજાશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મોટા નેતાઓ હાજર રહેશે. યોગી આદિત્યનાથે પોતે મુલાયમ સિંહ, અખિલેશ યાદવ અને માયાવતીને સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. સીએમ યોગી આદિત્યનાથની સાથે લગભગ 47 મંત્રીઓ શપથ લઈ શકે છે. નવી કેબિનેટમાં 7 થી 8 મહિલાઓને પણ સામેલ કરવામાં આવે તેવી શકયતા છે. જો કે હજુ સુધી કોઈ મંત્રીનું નામ સ્પષ્ટ થયું નથી, પરંતુ કેટલાક જૂના મંત્રીઓ અને યુવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી શકયતા છે. ઈકાના સ્ટેડિયમમાં શપથ ગ્રહણ માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે.
અગાઉની સરકારમાં મંત્રી રહેલા 20થી વધુ નેતાઓને આ વખતે યોગી કેબિનેટમાં સ્થાન નહીં મળે. આ વખતે યોગી કેબિનેટમાં બનારસનો એક ચહેરો જોવા મળી શકે છે, જે કોઈપણ ગૃહના સભ્ય નથી. તે જ સમયે, શપથ ગ્રહણમાં હાજર રહેલા નેતાઓ, ધારાસભ્યો અને MLCનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેજ પર ફક્ત તે જ લોકો હાજર રહેશે, જેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હશે. લગભગ 70 નેતાઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 250થી વધારે બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં સીએમ યોગીના નેતૃત્વમાં ઝંપલાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી બાદ યોગી આદિત્યનાથની સરકારમાં મંત્રીમંડળને લઈને છેલ્લા ઘણા દિવસથી ચર્ચા-વિચારણા ચાલી રહી હતી. જો કે, હજુ સુધી મંત્રીમંડળમાં કોનો-કોનો સમાવેશ કરાયો છે તેમના નામ જાહેર કરવામાં આવ્યાં નથી. યોગી સરકારના મંત્રીમંડળને લઈને વિવિધ અટકળો વહેતી થઈ છે.