Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ નહેરમાં ડુબકી મારવાની શરત લગાવનાર યુવાનનું મોત થયું

Social Share

નવી દિલ્હીઃ યુપીના કાનપુર જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ગુજૈનીના પીપૌરી કેનાલમાં 20 મિત્રો સાથે નહાવા ગયેલો એક યુવાન લાંબા સમય સુધી ડુબકીનો દાવ જીતવાના પ્રયાસમાં મૃત્યુ પામ્યો હતો. લગભગ આઠ મિનિટ ડુબકી માર્યા પછી પણ જ્યારે તે બહાર ન આવ્યો, ત્યારે તેના મિત્રોએ તેને શોધવાનું શરૂ કર્યું હતું. ડૂબી ગયેલા મિત્રને બહાર કાઢ્યા બાદ, બધા તેને હેલેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પીપૌરીના મર્દનપુરનો રહેવાસી 24 વર્ષીય ગુલફામ ઘરમાં રંગરોગાનનું કામ કરતો હતો.

ગુલફામ નામનો યુવાન 20-22 મિત્રો સાથે નહેરમાં નહાવા ગયો હતા. અચાનક, મિત્રો વચ્ચે લાંબા સમય સુધી પાણીની અંદર ડુબકી કરવાની શરત લગાવવામાં આવી હતી. મિત્રો એક પછી એક પાણીની અંદર ડાઇવિંગ કરતા રહ્યા અને એકબીજાના વીડિયો પણ બનાવતા રહ્યા હતા. ગુલફામે પણ ડાઇવિંગ કર્યું હતું. નાના ભાઈ સલમાનના જણાવ્યા મુજબ, જ્યારે ગુલફામ લગભગ આઠ મિનિટ સુધી બહાર ન આવ્યો, ત્યારે મિત્રોને શંકા ગઈ. જ્યારે બધાએ ડાઇવ લગાવી, ત્યારે તે ડૂબેલો જોવા મળ્યો હતો. તેને તાત્કાલિક હેલેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. યુવાનના મોતને પગલે પિતા બાબુ નસીર, માતા ગુડિયા, બહેનો અલશીફા અને સાનિયા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

Exit mobile version