દહેરાદૂન: ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારને તેમના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમાન ‘યુનિફોર્મ સિવિલ કોડ‘ (UCC) બિલને લઈને મોટો ફટકો પડ્યો છે. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહે UCC અને ‘ધર્મની સ્વતંત્રતા અને ગેરકાયદેસર ધર્માંતરણ નિષેધ અધિનિયમ’ સંબંધિત સુધારા વિધેયકો સરકારને પરત મોકલી દીધા છે. રાજ્યપાલે આ બિલમાં રહેલી ટેકનિકલ ખામીઓ અને વ્યાકરણની ભૂલોને કારણે આ નિર્ણય લીધો છે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યપાલે માત્ર વ્યાકરણ અને ટેકનિકલ ક્ષતિઓ જ નહીં, પરંતુ નવા કાયદાઓમાં કેટલાક અપરાધો માટે સૂચવવામાં આવેલી સજાની અવધિ અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. હવે આ બિલોને નવેસરથી તૈયાર કરવા પડશે. નિર્દેશિત ભૂલો સુધાર્યા બાદ અને અન્ય ટેકનિકલ બાબતોને ઠીક કર્યા પછી જ આગળની કાર્યવાહી થશે.
બિલ પરત આવ્યા બાદ હવે ધામી સરકાર પાસે મુખ્યત્વે બે રસ્તા છે. પ્રથમ સરકાર વટહુકમ (Ordinance) લાવીને સુધારાઓ પસાર કરે. તેમજ બીજો વિધાનસભામાં ફરીથી આ બિલ પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલે. ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા આ બિલનો કોંગ્રેસે લઘુમતી સમુદાય પરના હુમલા તરીકે વિરોધ કર્યો હતો. જો કોઈ વ્યક્તિ પરિણીત હોવા છતાં લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે, તો તેના માટે સજા વધારીને 7 વર્ષ સુધી કરવાની જોગવાઈ છે. દબાણ, છેતરપિંડી કે જબરદસ્તીથી સંબંધ બાંધનાર માટે પણ આવી જ સજાનો પ્રસ્તાવ છે. બિલમાં નવી કલમ 390-A ઉમેરવામાં આવી છે, જે રજિસ્ટ્રાર જનરલને કલમ 12 હેઠળ લગ્ન, છૂટાછેડા, લિવ-ઈન રિલેશનશિપ કે વારસાગત નોંધણી રદ કરવાની સત્તા આપે છે.
રાજ્યમાં 2018થી ધર્માંતરણ વિરોધી કાયદો અમલમાં છે, જેમાં 2022 અને 202માં સુધારા કરાયા હતા. નવા સુધારા મુજબ, બળજબરીથી ધર્માંતરણ કરાવનાર દોષિતોને 3 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાનો પ્રસ્તાવ છે, જે પહેલા મહત્તમ 10 વર્ષ હતી.


