
અમદાવાદમાં દિવ્યાંગો માટે રસીકરણનું આયોજનઃ દિવ્યાંગોમાં વેક્સિન માટેનો ઉત્સાહ
અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેમમાં ઘટાડો થતો જાય છે. ત્યારે સરકારે પણ વધુને વધુ લોકો વેક્સિન લે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. આજે શહેરમાં દિવ્યાંગ નાગરિકો માટે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી દિવ્યાંગો માટે કોઈ પણ પ્રકારની અલગ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. પરંતુ અમદાવાદ બ્લાઈન્ડ પીપલ એસો. અને મ્યુનિ. દ્વારા આજથી બે દિવસ માટે દિવ્યાંગો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરુ કરવામાં આવ્યું છે. જેમાં 500થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન કરીને નિઃશુલ્ક વેક્સિન આપવામાં આવી છે. આવતીકાલે રવિવારે પણ વેક્સિન આપવામાં આવશે.
અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં પાંચ લાખ 40 હજાર 854 લોકોએ રસી લીધી છે. જેમાં 4 લાખ 44 હજાર 464 લોકોએ પ્રથમ ડોઝ અને 96 હજાર 390 લોકોએ બીજો ડોઝ લીધો છે. જ્યારે આજે 7616 લોકોએ વેક્સિન લીધી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો 23 લાખ 35 હજાર 334 લોકોએ રસી લીધી છે. જેમાં 18 લાખ લોકોએ પ્રથમ ડોઝ અને 4 લાખ 37 હજાર 201 લોકોએ બીજો ડોઝ લીધો છે. આજે શહેરમાં 36 હજાર 157 લોકોને વેક્સિન આપવામાં આવી છે. કોરોનાનો ત્રીજો વેવ આવે તે પહેલા વધુને લોકોને વેક્સિન આપવામાં આવે એવું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ માટે કામ કરતી સંસ્થાઓ પણ સહભાગી બની રહી છે. આજે દિવ્યાંગોમાં પણ વેક્સિન લેવા માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.