વડોદરાઃ રખડતા ઢોરની અડફેટે વૃદ્ધાનું મોત, પશુના માલિકની અટકાયત કરાઈ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રખડતા ઢોરોને ત્રાસ વધ્યો છે. તેમજ રખડતા ઢોરો વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લેતા હોવાની ઘટના પણ વધી રહી છે. દરમિયાન વડોદરામાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લેતા તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે પશુમાલિક સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી હતી. પોલીસની કામગીરીને પગલે રખડતા પશુઓના માલિકોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રખડતા પશુએ તાજેતરમાં એક વદ્ધાને અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ રખડતા ઢોરો સામે વડોદરા મનપાએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન વૃદ્ધાનું મોત થતા લોકોમાં રોષ ફેલાયો છે. દરમિયાન તંત્ર દ્વારા પશુ માલિક સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વરણા વિસ્તારમાંથી ગાયના માલિક કરણ મૂલજીભાઈ રબારીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ વડોદરાના તંત્ર દ્વારા ઢોર માલિકના ઘરના વોટર કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવા આદેશ કરવામાં આવ્યો છે. પશુમાલિક સામે પાસા હેઠલ કાર્યવાહી કરવાના આદેશ અપાયાં છે.
અત્રે ઉલ્લેકનીય છે કે, રખડતા ઢોરોનો છેલ્લા કેટલાક મહિનાઓથી ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયાં છે. બીજી તરફ કોર્ટના આદેશને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરે પુરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ મનપાની કાર્યવાહીને પગલે પશુપાલકોમાં નારાજગી ફેલાઈ છે. અમદાવાદમાં મનપાએ રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા કવાયત શરૂ કરી છે.