- વડોદરામાં ઓફિસ ધરવતા શખસોએ કર્ણાટકના વેપારીને લાલચ આપીને ફસાવ્યા,
- સોનાની ડિલિવરી ન મળતા વેપારીએ પોલીસની મદદ લીધી,
- કર્ણાટકની હોટલમાં મુંબઈના ટ્રેડર મારફતે વડોદરાની ટોળકીનો પરિચય થયો હતો,
વડોદરાઃ સસ્તા સોનાની લાલચથી અનેક લોકો ફસાતા હોય છે. સસ્તુ લેવાની લાલચમાં મસમોટી રકમ ગુમાવવાનો વારો આવતો હોય છે. વડોદરા શહેરમાં ઓફિસ ધરાવતા શખ્સોએ સસ્તુ સોનુ અને બિઝનેસ લોનના નામે કર્ણાટકના એક વેપારીને ફસાવી રૂ.4.92 કરોડ પડાવી લેતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરપ્રાંતીય વેપારીને પોલીસ કેસથી બચવા માટે ભાગી જવાનું કહી ઓફિસમાંથી રવાના કરી દીધા હતા અને ત્યાર પછી હજી સુધી સોનાની ડિલિવરી નહિં મળતા વેપારીએ પોલીસની મદદ લીધી હતી.
આ બનાવની વિગત એવી છે કે, કર્ણાટકના વિજયનગર નજીક આરા અપના અલી ગામે રહેતા અને ઘેરથી એ કોમર્સનો બિઝનેસ કરતા મંજુ આર રવિને માર્ચ 2025 માં કર્ણાટકની એક હોટલમાં ઈલેક્ટ્રીક બાઈકના ઓપનિંગ દરમિયાન મુંબઈના ચિંતન નામના ટ્રેડરનો સંપર્ક થયો હતો. જુદા જુદા બિઝનેસ કરતા ચિંતને તેના ઘણા મિત્રો અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાં ઓફિસો ધરાવી સસ્તું સોનુ અને લોન આપવાના કામ કરતા હોવાની વાત કરી હતી. દરમિયાન કર્ણાટકના વેપારીએ ચિંતન મારફતે વડોદરાના મુજ મહુડા વિસ્તારમાં સિગ્નેટ હબ ખાતે ઓફિસ ધરાવતા વિશાલ બારોટ સાથે પરિચય કરાવ્યો હતો. જ્યાં વિશાલની સાથે તેની પાર્ટનર નયના ચાવડા પણ હાજર હતી અને 25 થી 30 જણા કામ કરતા હતા. વિશાલે પહેલી મિટિંગમાં 10 લાખ રૂપિયા લઇ 100 ગ્રામ સોનું આપેલું હતું. ત્યારબાદ વિશાલ કર્ણાટકના વેપારી સાથે સીધો સંપર્ક કરતો હતો. તે કર્ણાટક અને બેંગ્લોર પણ ગયો હતો. જેના તમામ ખર્ચ વેપારીએ ઉપાડ્યો હતો.
કર્ણાટકના વેપારીએ પોલીસને કહ્યું છે કે, વિશાલે કિલોમાં સોનુ જોઈતું હોય તો હું અપાવું તેમ કહી દસ કરોડની લોન માટે વ્યવસ્થા કરી આપવાની તૈયારી બતાવી હતી અને ટુકડે ટુકડે કુલ 31 લાખ રૂપિયા લીધા હતા. તેને અલકાપુરીના રાધે ફાઇનાન્સ એન્ડ ઈમ્પોર્ટ એક્સપોર્ટના સંચાલક રાજવીર પરીખ ઉર્ફે ઈલીયાસ અજમેરી સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ રાજવીર મને અલગ રીતે મળ્યો હતો અને હું પણ સસ્તુ સોનું અપાવી દઈશ અને મોટું કામ હશે તો કમિશન વધુ મળશે તેમ કહી વિશ્વાસમાં લીધો હતો.
વેપારીએ કહ્યું છે કે, રાજવીરે જુદા જુદા સમયે મારી પાસે રૂપિયા પડાવ્યા હતા. તેણે 24 તોલા સોનાના બિસ્કીટ આપતા મને વધુ વિશ્વાસ બેઠો હતો અને મેં મારા પરિચિતો પાસેથી રૂપિયા ભેગા કરી બીજા 4.61 કરોડ તેને આપ્યા હતા. પરંતુ ત્યારબાદ રાજવીર મને વાયદા કરતો હતો અને અમને ભરૂચ મોકલ્યા ત્યારે ડુપ્લીકેટ પોલીસની રેડના નામે કારમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. જેથી અમે ચાલતા આગળ ગયા હતા અને કોઈ ખાનગી વાહનમાં નીકળી ગયા હતા. આવી જ રીતે તેની ઓફિસમાં પણ હું મારા મિત્રો સાથે ગયો ત્યારે એક પોલીસ વાળો આવ્યો હતો અને નીચે ગાડી ઉભી છે તેમ કહી અમને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાજવીને તમે નીકળી જાઓ હું પતાવી દઈશ તેમ કહીને અમને રવાના કર્યા હતા. આમ વારંવાર વાયદા બતાવી રાજવીરે સોના માટે 4.61 કરોડ અને તેના જ પરિચિત વિશાલ બારડ, નયનાબેન ચાવડા તેમજ અન્ય સાગરીતોએ લોન માટે 31 લાખ પડાવી લીધા હતા. જેથી જે.પી.રોડ પોલીસે 18 જણા સામે ગુનો દાખલ કર્યો છે.

