
વડોદરા એવિએશનનું હબ બની રહ્યું છે, ડિફેન્સ કોરિડોરને મંજુરી મળે તો વિકાસ વધુ વેગ પકડશે
વડોદરાઃ શહેરમાં વીસીસીઆઇ એક્ઝિબિશન અને ગુજરાત રિજનલ કાઉન્સિલ મીટનું આયોજન કરાયું હતું. જેમાં સંરક્ષણ વિભાગના તજજ્ઞોએ જણાવ્યું હતું કે, દેશના સંરક્ષણ ક્ષેત્રે નવી ટેકનોલોજી અને શસ્ત્રોના પાર્ટ બનાવા માટે ગુજરાત સારૂ યોગદાન આપી શકે તેમ છે. આથી ગુજરાતને ડિફેન્સ કોરિડોર આપવામાં આવે તે અંગેની માગણી ઉદ્યોગ જગત દ્વારા સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. ડીઆરડીઓ દ્વારા આપવામાં આવેલી ટેક્નોલોજી થકી અનેક સ્મોલ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ માટે ડિફેન્સના દરવાજા ખૂલ્યા છે, જ્યારે ઇસરોમાં વપરાતું કંડક્ટર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝે બનાવ્યું છે. મહેસાણાના 28 વર્ષના યુવાને યુદ્ધમાં જવાનોનું લોહી વહેતું તાત્કાલિક અટકાવવા માટેની ટેક્નોલોજી ડેવલપ કરી છે, જે સમગ્ર પ્રોડક્ટ ભારતીય સૈન્ય ખરીદશે અને ટાટા કંપની દ્વારા પણ તેમાં લાર્જ સ્કેલમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. વડોદરા એવિયેશન હબ બની રહ્યું છે ત્યારે સરકાર દ્વારા ડિફેન્સ કોરિડોર માટે પણ મંજૂરી આપવી જોઈએ, જેનાથી નાના ઉદ્યોગોને વેગ મળશે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી દિલીપ પાધ્યાએ જણાવ્યું હતું કે, હાલોલમાં 15 જેટલી કંપનીઓ પ્લાસ્ટિકની કોથળીઓ બનાવતી હતી, જે નવા કાયદાથી બંધ થઈ હતી. ડીઆરડીઓ દ્વારા તેમને નવી ટેક્નોલોજી આપતાં કંપનીઓ ફરી ધબકતી થઈ છે. વીસીસીઆઈ એક્સપોના ચેરમેન હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, એક્ઝિબ્યૂટર અને મુલાકાતીઓનો ધસારો જોઈને રવિવારથી એક્ઝિબિશનના સમયમાં 1 કલાકનો વધારો કરાયો છે, જે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
એલએન્ડ ટી-સુફિનના સીઇઓ ભદ્રેશ પાઠકે જણાવ્યું હતું કે, ચાઇનામાં અલીબાબા ડોટ કોમ દ્વારા અન્ય દેશના નાગરિકો વસ્તુઓ મગાવતાં ખચકાતા નથી. તેમને આ પ્લેટફોર્મ દ્વારા તેમની સાથે છેતરપિંડી નહીં થાય તેઓ વિશ્વાસ હોય છે. ભારતમાં પણ જેમ્સ પોર્ટલ કાર્યરત છે, પરંતુ ચાઇના જેવું આવું પોર્ટલ ડેવલપ કરવું જોઈએ, તેના કારણે લોકોને વિશ્વાસ વધશે.