Site icon Revoi.in

પાટડીના આદરિયાણામાં ITના ફેક અધિકારીઓની ઓળખ આપી તોડ કરનારા 3 શખસો પકડાયા

Social Share

પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના આદરિયાણા ગામે રહેતા એક સોની પરિવારના ઘરે થોડા દિવસ પહેલા ઈન્કમટેક્સના નકલી અધિકારીઓએ રેડ પાડીને પરિવારના સભ્યોને ધાક-ધમકી આપીને રૂપિયા 6.50 લાખનો તોડ કર્યો હતો. આ બનાવ બાદ શંકા જતા નિતિનભાઈ માંડલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના કૂટેજ અને કાર નંબર મેળવીને તપાસ કરતા ઈન્કમટેક્સના નકલી અધિકારી બનીને આવેલા 5 શખસોમાંથી ત્રણ શખસોને ઝડપી લીધા છે. જ્યારે બે શખસો હજુ ફરાર છે. આ બનાવમાં નકલી ઈન્કમટેક્સ અધિકારી બનીને તોડ કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર ફરિયાદીના મામાનો દીકરો જ નીકળ્યો છે. ઝીંઝુવાડા પોલીસે ડાકોરથી ફરિયાદીના મામાના દીકરા સહીત આ કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ ઝડપી લીધા છે,

આ બનાવની વિગત એવી હતી કે, પાટડી તાલુકાના આદરીયાણા ગામમાં નકલી ઈન્કમટેક્સ અધિકારીના સ્વાંગમાં 5 શખસોએ  નિતિનભાઈ માંડલિયા નામના સોનીના ઘરે રેડ પાડી હતી.અને પરિવારના સભ્યોને ધાક-ધમકી આપીને આરોપીઓએ કેસ પતાવવા માટે પહેલા 10 લાખ અને પછી 6.50 લાખની માગણી કરી હતી. ભયના માર્યે નિતિનભાઈએ 1.31 લાખ રોકડા અને 5.19 લાખ રૂપિયાનું 5.4 તોલા સોનું આપ્યું હતું. આ બનાવ બાદ શંકા જતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ઝીંઝુવાડા પીઆઇ પી.કે.ગોસ્વામી સહિતના પોલીસ સ્ટાફે ફરિયાદીની આદરીયાણા ગામે આવેલી સોનીની દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરુ કરી આ કેસમાં મુખ્ય સૂત્રધાર એવા ફરિયાદી નિતિનભાઈ માંડલિયાના ડાકોર ખાતે રહેતા સગા મામાના દીકરા રાકેશ જયંતીભાઈ સોનીની અટક કરી તપાસ કરતા એને આદરીયાણા ગામે રહેતા કૌટુંબિક ભાઈ સાથે અગાઉ થયેલા અણબનાવને ધ્યાનમાં પોતાના મિત્ર રાજ વિજયભાઈ પંડ્યા સાથે મળીને ડરપોક એવા આદરીયાણાના નીતિનભાઈ માંડલિયાના ઘેર નકલી ઇન્કમટેક્ષ ઓફિસર બની રૂ. 6.50 લાખની લૂંટ ચલાવી હતી. ઝીંઝુવાડા પોલીસે આ કેસમાં પ્રથમ આરોપી રાજ વિજયભાઈ પંડ્યાની અટક કરી એક દિવસના રિમાન્ડ મેળવી હાલ જેલ હવાલે કરાયો છે. એની પૂછપરચ્છમાં અન્ય ત્રણ આરોપીઓમાં ફરિયાદીનો મામાનો દિકરો રાકેશ જયંતીભાઈ સોની, મનોજ કમલેશ સિંધી અને નંદુ નરહરીભાઈ વાસ્તેકરની અટક કરી કોર્ટમાં રજૂ કરી 21 તારીખ સુધીના રીમાન્ડ મેળવાયા છે. જયારે બે આરોપીઓ હજી ફરાર છે.

ઝીંઝુવાડા પીઆઇ પી.કે.ગૌસ્વામીએ જણાવ્યું કે, હાલ પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 2.23 લાખ રોકડા અને બે તોલા સોનુ રીકવર કરાયું છે. આ કેસના મુખ્ય સૂત્રધાર ફરિયાદીનો ડાકોર ખાતે રહેતો મામાનો દિકરો અગાઉ બનેલા અણબનાવને ધ્યાનમાં રાખી ડરપોક એવા આદરીયાણા ગામના નીતિનભાઈ માંડલિયાના ઘેર નકલી આઇટીની રેડ પડાવી હતી.