બોરસદ, 27 ડિસેમ્બર 2025 : વાસદ-બગોદરા સિક્સ લેન હાઈવે પર બોદાલ ગામની સીમમાં ગતરાત્રિએ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલા ટેન્કરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ કરુણ દુર્ઘટનામાં કાર ચાલક યુવાન વેપારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર તેમના ભાઈ અને 10 વર્ષના પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
મળેલી વિગતો અનુસાર, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ મુંબઈ રહેતા અશોકભાઈ જયરામભાઈ ગોઢકિયા, વડોદરામાં સાડીનો વ્યવસાય કરતા તેમના ભાઈ કિશનભાઈ ગોઢકિયા અને કિશનભાઈનો 10 વર્ષનો પુત્ર વતન ગયા હતા. ગત સાંજે તેઓ વતનથી વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રિના સુમારે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો.
આ પણ વાંચોઃ 31મી ડિસેમ્બર: અમદાવાદમાં CG રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનો માટે નો-એન્ટ્રી
પ્રાથમિક અહેવાલ મુજબ, બોદાલ ગામની સીમમાં કાર ચલાવી રહેલા કિશનભાઈ અચાનક સ્ટિયરિંગ પર ઢળી પડ્યા હતા, જેને કારણે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી ટેન્કર પાછળ ઘૂસી ગઈ હતી. કિશનભાઈને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.
અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી કિશનભાઈને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત અશોકભાઈ અને માસૂમ બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બોરસદ શહેર પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ CWC બેઠકમાં ખડગેના કેન્દ્ર પર પ્રહારો: કોંગ્રેસ જનઆંદોલન શરૂ કરશે


