1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં દબાણો, રખડતા ઢોર, સહિતના પ્રશ્નોના ઉકેલ માટે વસાહત મહાસંઘ આંદોલન કરશે
ગાંધીનગરમાં દબાણો, રખડતા ઢોર, સહિતના પ્રશ્નોના ઉકેલ માટે વસાહત મહાસંઘ આંદોલન કરશે

ગાંધીનગરમાં દબાણો, રખડતા ઢોર, સહિતના પ્રશ્નોના ઉકેલ માટે વસાહત મહાસંઘ આંદોલન કરશે

0
Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વધી રહેલી ઝૂપડપટ્ટી, જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર, લીલાછમ વૃક્ષોનું ગેરકાયદે છેદન, પાણીની સમસ્યા અને રોડ પરથયેલા આડેધડ દબાણો સામે તંત્ર નિષ્કિય બની જતાં હવે ગાંધીનગર વસાહત મહાસંઘે મ્યુનિ.કોર્પોરેશન સામે બાંયો ચડાવી છે. તાજેતરમાં શહેર વસાહત મહાસંઘની બેઠકમાં પુખ્ત વિચારણાના અંતે આગામી દિવસોમાં સરકારને આવેદન પત્રો આપી ઉગ્ર આંદોલન ચલાવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.

પાટનગર ગણાતું ગાંધીનગર શહેર અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. એક તરફ સ્માર્ટ સીટીના નામે ગાંધીનગરમાં આડેધડ વિકાસના કામોના નામે લીલાછમ વૃક્ષોનો ભોગ લઈ સિમેન્ટ કોંક્રીટનાં જંગલો ઊભા કરાઈ રહ્યા છે. તેમજ કરોડો રૂપિયાનો ટેક્સ પ્રજાજનો પાસેથી ઉઘરાવવામાં આવતો હોવા છતાં મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ આપવાની જગ્યાએ સમસ્યાઓની ભરમાર થઈ ગઈ છે. આ બધી સમસ્યાની ચર્ચા વિચારણા અને આગળની રણનીતિ ઘડવા માટે શહેર વસાહત મહાસંઘની જનરલ બેઠક મળી હતી.  આ અંગે સંસ્થાના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, બેઠકમાં શહેરની સમસ્યાના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સેક્ટરમાં વધતા દબાણો, ઝુંપડપટ્ટી, વૉકિંગ માટે બનાવવામાં આવેલા ફુટપાથ પર દબાણો, પાણીનો અપૂરતો ફોસૅ, કોમન ચોકમાં સફાઈ ઉપરાંત આડેધડ ખોદાણ કરીને તેનું પુરાણ પણ કરવામાં નહીં આવતાં જેવા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.

ગાંધીનગર વસાહત મહાસંઘના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે,  ગાંધીનગર શહેરને મ્યુનિ. કોર્પોરેશનનો દરજ્જો મળ્યાને વર્ષો વીતિ ગયા છતાં હજુ શહેર અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે.  મ્યુનિ.ની ગત ચૂંટણી પહેલા જ મ્યુનિ.કોર્પોરેશનની હદમાં 18 જેટલા ગામોનો સમાવેશ કર્યો છે. આ ગામડાંઓને હજુપણ શહેરની જેમ સુખ સુવિધાઓ મળતી નથી. મકાનોના સર્વે કરીને મિલકત વેરાના આડેધડ ટેક્ષ બીલો આપવામાં આવ્યા છે. ગામ પંચાયતમાં અગાઉ વર્ષોથી સેવાઓ આપતા કર્મચારીઓને મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવી નિમણૂક આપવામાં આવે જેવા અનેક પ્રશ્નો ઠેરના ઠેર છે. આ સમસ્યાના નિરાકરણ માટે આગામી દિવસોમાં સરકારને આવેદનપત્ર આપવામાં આવશે. તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સેક્ટરમાં સંલગ્ન વસાહત મંડળો શહેરમાં સમાવિષ્ટ ગામોમાં બેઠકો કરી લોક જાગૃતિ કેળવી ઉગ્ર આંદોલન કરવા માટેની ફોર્મૂલા ઘડી કાઢવામાં આવશે. તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે કાયદાકીય લડત માટે કિરણભાઈ વ્યાસની પણ લીગલ એડવાઈઝર તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code