વાવ, 12 જાન્યુઆરી 2026: પોલીસે બળાત્કારી યુવાનને પકડી પાડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. મહિલા પીઆઇએ ઇન્સ્ટાગ્રામ પર આરોપીના આઈડી પર એક સ્ત્રી મિત્ર તરીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. અને આરોપી સાથે વાતચીત શરૂ કરી અને તેને વિશ્વાસમાં લીધો. સતત વાતચીત બાદ આરોપીને થરાદ રેફરલ હોસ્પિટલ પાસે મળવા બોલાવવામાં આવ્યો હતો. અને બળાત્કારી કેસના આરોપીને દબોચી લીધો હતો.
વાવ પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા એક ગંભીર ગુનાના આરોપી વિશાલ રાઠોડને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે સોશિયલ મીડિયાનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કર્યો હતો. વાવ વિસ્તારમાં બળાત્કાર અને પોક્સોનો ગુનો બન્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાવ પોલીસ પોસ્ટના મહિલા પીઆઇએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપી સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે. આ માહિતીના આધારે, પીઆઇએ ઇન્સ્ટાગ્રામ પર આરોપીના આઈડી પર એક સ્ત્રી મિત્ર તરીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને પીઆઇએ આરોપી સાથે વાતચીત શરૂ કરી અને તેને વિશ્વાસમાં લીધો. સતત વાતચીત બાદ આરોપીને થરાદ રેફરલ હોસ્પિટલ પાસે મળવા બોલાવવામાં આવ્યો, આરોપી કોઈ પણ શંકા વગર નિર્ધારિત સ્થળે પહોંચ્યો. ત્યાં અગાઉથી ગોઠવાયેલી પોલીસ ટીમે તેને ઘેરી લીધો અને તાત્કાલિક તેની ધરપકડ કરી હતી.
પોલીસની આ કાર્યવાહીથી પોક્સો અને મહિલાઓ સામેના ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને કડક સંદેશ મળ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વાવ પોલીસ અને પીઆઇની ઝડપી કાર્યવાહી તેમજ આધુનિક ટેકનોલોજીના સમજદાર ઉપયોગ બદલ પ્રશંસા કરવામાં આવી રહી છે. પોલીસે પણ સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે તેઓ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

