1. Home
  2. ગુજરાતી
  3. વીર બાળદિવસ એ પંચ પ્રણ માટે જીવનશક્તિ સમાન: PM મોદી
વીર બાળદિવસ એ પંચ પ્રણ માટે જીવનશક્તિ સમાન: PM મોદી

વીર બાળદિવસ એ પંચ પ્રણ માટે જીવનશક્તિ સમાન: PM મોદી

0
Social Share

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આવેલા મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘વીર બાળદિવસ’ની ઉજવણી નિમિત્તે યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, પીએમએ લગભગ ત્રણસો બાળ કીર્તનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ‘શબદ કીર્તન’માં હાજરી આપી હતી, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીએ આ મહત્વપૂર્ણ અવસર પર દિલ્હીમાં લગભગ ત્રણ હજાર બાળકો દ્વારા યોજાયેલી માર્ચ-પાસ્ટને પણ ઝંડી બતાવી હતી. વીર બાળદિવસ એ પંચ પ્રણ માટે જીવનશક્તિ સમાન હોવાનું પીએમ મોદીએ જણાવ્યું હતું.

9 જાન્યુઆરી 2022ના રોજ, શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વના દિવસે, પીએમ મોદીએ દર વર્ષે 26 ડિસેમ્બરને ‘વીર બાળદિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો – સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીએ આપેલા બલિદાનની સ્મૃતિમાં તેમણે આ દિવસને ‘વીર બાળદિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતા, પીએમ મોદીએ ટિપ્પણી કરી કે, ભારત આજે પ્રથમ વીર બાળદિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્ર માટે આ એક નવા આરંભનો દિવસ છે, જ્યારે આપણે બધા ભૂતકાળમાં આપણા માટે આપવામાં આવેલા બલિદાન માટે શિશ ઝુકાવવા માટે ભેગા થયા છીએ. પીએમ મોદીએ કહ્યું હતું કે, “શહીદી સપ્તાહ અને વીર બાળદિવસ એ માત્ર લાગણીઓની અભિવ્યક્તિ નથી પરંતુ અનંત પ્રેરણાનો સ્રોત છે”.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વીર બાળદિવસ આપણને આત્યંતિક બહાદુરી અને બલિદાનની વાત આવે ત્યારે ઉંમર ભલે ગમે તેટલી હોય તેનાથી કોઇ ફરક નથી પડતો તે વાતની યાદ અપાવશે. વીર બાળદિવસ આપણા રાષ્ટ્રની ગરિમાનું રક્ષણ કરવા માટે દસ શીખ ગુરુઓએ આપેલા અપાર યોગદાન અને શીખ પરંપરાના બલિદાન વિશે આપણને યાદ અપાવશે. તેમણે ઉમેર્યું હતું કે, “વીર બાળદિવસ આપણને ભારત શું છે અને તેની ઓળખ શું છે તે અંગે જણાવશે અને દર વર્ષે, વીર બાળદિવસ આપણને આપણા ભૂતકાળને ઓળખવા તેમજ આપણા ભવિષ્યનું ઘડતર કરવા માટે પ્રેરણા આપશે. આ ઉજવણી દરેક વ્યક્તિને આપણી યુવા પેઢીની તાકાત વિશે પણ યાદ અપાવશે.” તેમણે વીર સાહિબજાદાઓ, ગુરુઓ અને માતા ગુર્જરીને કૃતજ્ઞ ભાવે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું અમારી સરકારનું સૌભાગ્ય માનું છું કે અમને 26 ડિસેમ્બરના રોજ વીર બાળદિવસ ઉજવવાની જાહેરાત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે”.

તેમણે વધુમાં જણાવ્યું હતું, હજાર વર્ષ જૂનો દુનિયાનો ઇતિહાસ ભયાનક ક્રૂરતાના અનેક પ્રકરણોથી ભરેલો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે પણ આપણી સમક્ષ ક્રૂરતાના હિંસક ચહેરાઓ આવે છે, ત્યારે તે આપણા નાયકોના પાત્રો જ ઇતિહાસના પાનાઓ પર તેનાથી ઉપરવટ ચમકતા ચહેરા તરીકે જોવા મળે છે. ચમકૌર અને સરહિંદના યુદ્ધમાં જે કંઇ બન્યું હતું તે ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટનાઓ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઘટનાઓ માત્ર ત્રણ સદી પહેલાં આ જ ભૂમિની માટી પર બની હતી. પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, “એક તરફ ધાર્મિક કટ્ટરતાથી આંધળી શકિતશાળી મુઘલ સલ્તનત હતી, જ્યારે બીજી તરફ ભારતના પ્રાચીન સિદ્ધાંતો અનુસાર જ્ઞાનમાં ઝળહળતા અને જીવતા આપણા ગુરુઓ હતા”. તેમણે ઉમેર્યું હતું કે, “એક તરફ આતંક અને ધાર્મિક કટ્ટરતાની ચરમસીમા હતી, તો બીજી તરફ દરેક મનુષ્યમાં ઇશ્વરને જોવાની આધ્યાત્મિકતા અને દયાની પરાકાષ્ઠા હતી.” આ બધાની વચ્ચે મુઘલો પાસે લાખો સૈનિકોનું સૈન્ય હતું, જ્યારે ગુરુના વીર સાહેબજાદાઓ પાસે શૌર્ય હતું. તેઓ એકલા હોવા છતાં મુઘલો સામે ઝૂક્યા નહોતા. એ સમયે મુઘલોએ તેમને દિવાલમાં જીવતા ચણી દીધા હતા. તેમની બહાદુરી અને હિંમત સદીઓ પછી આજે પણ આપણા માટે પ્રેરણાનો સ્રોત છે.

તેમણે આગળ ઉમેર્યું હતું કે, આવો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતો કોઇપણ દેશ આત્મવિશ્વાસ અને આત્મસન્માનથી છલકાતો હોવો જ જોઇએ. આગળ, તેમણે અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમ છતાં, દેશમાં હીનતાની ભાવના પેદા કરવા માટે કેટલીક ઉપજાવી કાઢેલી વાતો શીખવવામાં આવતી હતી. તેમ છતાં, સ્થાનિક પરંપરાઓ અને સમાજે આ કીર્તિની ગાથાઓને જીવંત રાખી છે. ભવિષ્ય તરફ આગળ વધવા માટે ભૂતકાળમાં કરાયેલા સંકુચિત અર્થઘટનથી મુક્ત થવાની જરૂરિયાત પર પ્રધાનમંત્રીએ વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આથી જ દેશે આઝાદીના અમૃતકાળમાં ગુલામી માનસિકતા સાથે સંકળાયેલા તમામ પ્રતીકોને દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “વીર બાળદિવસ એ પંચ પ્રણ માટે જીવનશક્તિ સમાન છે”.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code