Site icon Revoi.in

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ વિપક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ બી.સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું

Social Share

નવી દિલ્હીઃ વિપક્ષના ઇન્ડિ એલાયન્સે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું હતું કે, તેમનું નામ સર્વાનુમતે નક્કી થઈ ગયું છે. સુદર્શન રેડ્ડી હવે એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો સામનો કરશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી રસપ્રદ બનવાની છે, કારણ કે બંને ઉમેદવારો દક્ષિણ ભારતના છે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “બી. સુદર્શન રેડ્ડી ભારતના સૌથી પ્રતિષ્ઠિત ન્યાયશાસ્ત્રીઓમાંના એક છે. તેમની લાંબી કાનૂની કારકિર્દી રહી છે. આ સમય દરમિયાન, તેમણે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ, ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કામ કર્યું છે. તેમણે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય માટે સતત કામ કર્યું છે.”

બી. સુદર્શન રેડ્ડીનો જન્મ 8 જુલાઈ 1946 ના રોજ આંધ્ર પ્રદેશના રંગા રેડ્ડી જિલ્લાના અકુલા મૈલારામ ગામમાં થયો હતો. તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે. સુદર્શન રેડ્ડી તેમના પ્રારંભિક અભ્યાસ પછી હૈદરાબાદ ગયા અને 1971 માં ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ પછી તેમણે ઘણા મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા હતા. સુદર્શન રેડ્ડી, ભૂતપૂર્વ ન્યાયાધીશ હોવા ઉપરાંત, ગોવાના પ્રથમ લોકાયુક્ત પણ રહી ચુક્યાં છે.

એનડીએએ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. રસપ્રદ વાત એ છે કે, આ ચૂંટણી માટેના બંને ઉમેદવારો દક્ષિણ ભારતમાંથી આવે છે. રાધાકૃષ્ણનનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો. બીજી તરફ, ઇન્ડિ એલાયન્સના ઉમેદવાર સુદર્શન રેડ્ડી આંધ્રપ્રદેશના છે.

Exit mobile version