1. Home
  2. revoinews
  3. VIDEO: આશા ભોંસલેનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
VIDEO: આશા ભોંસલેનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

VIDEO: આશા ભોંસલેનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

0
Social Share

મુંબઈ, 13 એપ્રિલ, 2026 – Asha Bhosle ભારતીય સંગીત જગતનો સૌથી તેજસ્વી અને બહુમુખી અવાજ આશા ભોંસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. રવિવારે 92 વર્ષની વયે તેમના નિધનથી સમગ્ર રાષ્ટ્ર શોકમાં ડૂબી ગયું છે. સોમવારે મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં સંપૂર્ણ રાજકીય સન્માન અને વિધિ-વિધાન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ‘આશા તાઈ અમર રહે’ ના નારાઓ વચ્ચે તેમના પુત્ર આનંદે તેમને મુખાગ્નિ આપી હતી. આ એક એવી ક્ષણ હતી જ્યારે લાગ્યું કે જાણે સંગીતની દુનિયાના ધબકારા થંભી ગયા હોય. હાલમાં આશા તાઈ પંચતત્વમાં વિલીન થઈ ગયા છે.

ગીતો અને સુરો સાથે અંતિમ વિદાય

આશા તાઈની અંતિમ સફર એક ઉત્સવ જેવી હતી, જે રીતે તેમણે પોતાનું જીવન જીવ્યું હતું. અંતિમ વિદાય વખતે સંગીત જગતના દિગ્ગજો શાન અને અનુપ જલોટા સહિત અનેક બોલીવુડ કલાકારોએ તેમના જ અમર ગીતો ગાઈને તેમને ભાવભીની વિદાય આપી હતી. આ દ્રશ્ય દિલને સ્પર્શી જાય તેવું હતું, જ્યાં એક તરફ આંખોમાં આંસુ હતા, તો બીજી તરફ તેમના સુરો પ્રત્યે કૃતજ્ઞતા હતી.

સ્વાસ્થ્ય અને અંતિમ સમય

આશા તાઈ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને 11 એપ્રિલના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થિતિ વધુ બગડતા તેમને ICU માં શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નથી. ડોક્ટરોએ પુષ્ટિ કરી છે કે તેમનું અવસાન મલ્ટી-ઓર્ગન ફેલિયરને કારણે થયું હતું.

શ્રદ્ધાંજલિ આપવા ઉમટ્યું સેલેબ્રિટીઝનું ઘોડાપૂર

તેમના અંતિમ દર્શન માટે સિનેમા, રમતગમત અને રાજકારણના દિગ્ગજો પહોંચ્યા હતા. એ.આર. રહેમાન, શબાના આઝમી, રણવીર સિંહ, તબ્બુ, જેકી શ્રોફ, ફરહાન અખ્તર, સચિન તેંડુલકર, મોહમ્મદ સિરાજ, વિક્કી કૌશલ, હેલન અને અનુરાધા પૌડવાલ જેવા કલાકારો અને રમતવીરોએ તેમને નમન કર્યા હતા. રાજનીતિમાંથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આખું બોલીવુડ આ મહાન ગાયિકાને ગુમાવવાના ગમમાં ડૂબેલું જોવા મળ્યું હતું.

સંઘર્ષથી સફળતાની ઐતિહાસિક સફર

આશા ભોંસલેનું જીવન માત્ર સફળતાની વાર્તા નથી, પરંતુ કઠોર સંઘર્ષ અને અતૂટ ઈચ્છાશક્તિની દાસ્તાન છે. તેમણે પોતાનું પ્રથમ ગીત મરાઠી ફિલ્મ માટે તેમની મોટી બહેન લતા મંગેશકર સાથે ‘ચલા ચલા નવ બાલ’ ગાયું હતું. જોકે, તેમને અસલી ઓળખ 16 વર્ષની ઉંમરે મળી, જ્યારે તેમણે ફિલ્મ ‘રાત કી રાની’ માટે પોતાનું પ્રથમ સોલો ગીત રેકોર્ડ કર્યું હતું. તેમણે હિન્દી, બંગાળી અને મરાઠી સહિત વિવિધ ભાષાઓમાં 12000 થી વધુ ગીતોને પોતાનો જાદુઈ અવાજ આપ્યો હતો. જે ક્ષેત્રમાં તેઓ મજબૂતીથી ઊભા રહ્યા અને લાખો લોકોમાં નવી ઊર્જા ભરી, તે વારસો હંમેશા જીવંત રહેશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code