નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર 2026: ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી તેમજ પેટાચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની 10 અને ઉત્તરાખંડની 1 રાજ્યસભા બેઠકના સભ્યોનો કાર્યકાળ નવેમ્બર 2026માં પૂર્ણ થઈ રહ્યો હોવાથી ત્યાં દ્વિવાર્ષિક ચૂંટણી યોજાશે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળમાં શ્રીમતી રૂક્મિણી મલ્લિક (કોયલ મલ્લિક)ના રાજીનામાથી ખાલી પડેલી 1 રાજ્યસભા બેઠક માટે પણ પેટાચૂંટણી યોજવામાં આવશે.

ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર આ તમામ 12 બેઠકો માટે 29 સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ 6 ઓક્ટોબર રહેશે, જ્યારે 7 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી (સ્ક્રુટિની) હાથ ધરાશે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 9 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. તમામ બેઠકો માટે 16 ઓક્ટોબરના રોજ સવારે 9:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે 5:00 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 19 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.


