નાસ્તામાં કંઈક હેલ્ધી ખાવું છે? ટ્રાય કરો વિટામિન અને ફાઈબરથી ભરપૂર ગાજર ઇડલી
સાઉથ ઇન્ડિયન વાનગીઓ તેના હળવા સ્વાદ અને પૌષ્ટિક ગુણોને કારણે સમગ્ર ભારતમાં લોકપ્રિય છે. સામાન્ય રીતે આપણે ચોખા અને અડદની દાળની સફેદ ઇડલી ખાતા હોઈએ છીએ, પરંતુ જો તમે તેમાં થોડો ‘હેલ્ધી ટ્વિસ્ટ’ ઉમેરવા માંગતા હોવ, તો ‘ગાજર ઇડલી’શ્રેષ્ઠ વિકલ્પ છે. ગાજરની કુદરતી મીઠાશ અને ઇડલીની મુલાયમ બનાવટ તેને સ્વાદિષ્ટ તો બનાવે જ છે, સાથે સાથે ગાજરને કારણે તેમાં વિટામિન-એ અને ફાઈબરનું પ્રમાણ પણ વધી જાય છે.
-
સામગ્રી
ચોખા- એક કપ
અડદની દાળ- અડધો કપ
ગાજર- એક કપ (છીણેલુ)
મીઠુ- સ્વાદ અનુસાર
ઈનો ફ્રુટ સોલ્ટ- એક નાની ચમચી
તેલ- ઈડલીને સ્ટીમ માટે
-
બનાવવાની રીત
સૌથી પહેલા ચોખા અને અડદની દાળને સાફ કરી, અલગ-અલગ વાસણમાં 4 થી 5 કલાક માટે પાણીમાં પલાળી રાખો. પલાળેલા ચોખા અને દાળમાંથી પાણી નિતારી લો. મિક્સરમાં થોડું પાણી ઉમેરીને તેની મુલાયમ પેસ્ટ (ખીરું) બનાવી લો. ધ્યાન રાખવું કે ખીરું બહુ પાતળું કે બહુ ઘટ્ટ ન હોવું જોઈએ. હવે આ તૈયાર ખીરામાં છીણેલું ગાજર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. જો તમે થોડું તીખું ખાવા માંગતા હોવ, તો ઝીણા સમારેલા લીલા મરચાં અથવા મરીનો પાવડર પણ ઉમેરી શકો છો. ઇડલી બનાવવાની બરાબર પહેલા ખીરામાં ઈનો અથવા બેકિંગ સોડા ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો. ઈનો ઉમેરતા જ ખીરું ફૂલવા લાગશે.
ઇડલી સ્ટીમર અથવા કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો. ઇડલીના સાંચાને તેલથી ગ્રીસ કરી તેમાં ખીરું ભરો. 10 થી 12 મિનિટ સુધી તેને વરાળમાં પાકવા દો. ટૂથપિક નાખી ચેક કરો, જો તે સાફ બહાર આવે તો સમજવું કે ઇડલી તૈયાર છે. ગરમાગરમ ગાજરની ઇડલીને કોપરાની (નારિયેળની) ચટણી, ટામેટાની ચટણી કે ગરમાગરમ સાંભર સાથે પીરસો. સવારના નાસ્તા કે સાંજના હળવા ભોજન માટે આ એક ઉત્તમ વાનગી છે.


