
લખતરના વિઠ્ઠલગઢ નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડતા પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામની સીમમાંથી પસાર થતી પેટા કેનાલમાં ગાબડુ પડતાં આસપાસનાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કેનાલના નબળા કામ કરનારા સામે કડક કાર્યવાહી કરવા તેમજ પાકને થયેલુ નુકશાનનું વળતર તાત્કાલિક ચુકવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.ખેડૂતોને ખેતર સુધી પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા પેટા કેનાલો બનાવવામાં આવી છે. તેનું બાંધકામ નબળું હોવાથી વારંવાર કેનાલો તૂટી જાય છે.
લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામની સીમમાંથી પસાર થતી પેટા કેનાલમાં ગાબડુ પડતાં આસપાસનાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા હતા. નર્મદાની પેટા કેનાલોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવો ઘાટ લખતર તાલુકામાં સર્જાયો છે. અમુક વિસ્તારોમાં કેનાલો બની ત્યારથી પાણી જ આવ્યું નથી. ત્યારે લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામની સીમમાં વિઠ્ઠલગઢ અને કલ્યાણપરા વચ્ચે ઢેબડીયા ચારી વિસ્તારમાંથી પસાર થતી પેટા કેનાલમાં મોટું ગાબડુ પડ્યું હતું. જેના કારણે આ વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. આ ગાબડાને કારણે સેંકડો વીઘા જમીનમાં વાવેતર કરેલા ઘઉં અને એરંડા જેવા ઊભા પાકમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ભારે નુકશાની થઇ હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. સાથોસાથ જવાબદારો સામે તાત્કાલિક પગલાં લઇ ખેડૂતોને નુક્શાનીનું વળતર ચુકવવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી હતી.
લખતર પંથકમાં અવાર-નવાર કેનાલોમાં પડતા ગાબડાં પંથકમાં કેનાલનાં નબળા થયેલા કામોની ચાડી ખાતા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ માટીની કેનાલ હોવાથી તેમજ પાણી ઓવરફલો થવાથી ગાબડુ પડ્યુ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી છે.