1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની વેબસાઈટ, મોબાઈલ એપ. અને બ્રોશરનું અનાવરણ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની વેબસાઈટ, મોબાઈલ એપ. અને બ્રોશરનું અનાવરણ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની વેબસાઈટ, મોબાઈલ એપ. અને બ્રોશરનું અનાવરણ

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024નાં ભાગરૂપે VG-2024 વેબસાઈટ તથા મોબાઇલ એપનું લોન્ચિંગ અને VG-2024ના બ્રોશરનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ઉદ્યોગ-વેપારના વૈશ્વિક નકશે અગ્રેસર બનાવવાના હેતુથી 2003માં ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાનએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે ઉભરી આવી છે તેમ તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ બની રહેલી આ વાઇબ્રન્ટ સમિટે રાજ્યની સામાજિક આર્થિક સ્થિતિઓમાં પરિવર્તનશીલ બદલાવની શરૂઆત સાથે વિવિધ ઔદ્યોગિક માપદંડોમાં ગુજરાતને અગ્રીમ રાજ્ય બનાવ્યું છે. નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટની 10મી કડી આગામી તારીખ 10 થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે.

‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવામાં મુખ્યમંત્રીએ લોન્ચ કરેલી આ વેબસાઈટ તથા મોબાઇલ એપ વન સ્ટોપ સોલ્યુશન બની રહે તેવા યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ વેબસાઈટ અને મોબાઈલ એપ લોન્ચિંગ તથા આકર્ષક બ્રોશરનું અનાવરણ રાજ્યમંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓ, ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપુત, રાજ્યમંત્રી  હર્ષ સંઘવી તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું.

VG-2024 વેબસાઇટ ઓનલાઇન રજિસ્ટ્રેશન તેમજ વ્યક્તિઓ, પ્રતિનિધિમંડળો અને સમિટ દરમિયાન યોજાનારી ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે રસ ધરાવતા રોકાણકારોની સુવિધા માટે આ યુઝર-ફ્રેન્ડલી વેબસાઇટ ગુજરાત સરકારની નીતિઓ, વિવિધ પરિમાણોમાં રાજ્યના પર્ફોર્મન્સ અંગેનો ડેટા અને સંભવિત પ્રતિષ્ઠિત રોકાણો અને પ્રોજેક્ટ્સની યાદીનું એક સમગ્ર સંકલન બની રહેશે તેમ મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું.

આ VG એપ એન્ડ્રોઇડ અને iOS એમ બંને મોબાઈલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે. સમિટમાં યોજાનારી વિવિધ ઇવેન્ટ્સને વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા ટ્રેક કરી શકાશે. ચેટ, સંબંધિત સરકારી વિભાગો સાથે મીટિંગો શેડ્યુલ કરવી, અન્ય પ્રતિભાગીઓ સાથે B2B મીટિંગો, અન્ય પ્રતિભાગીઓની પ્રોફાઇલ જોવી, પ્રોફાઇલ્સને બુકમાર્ક કરવી અને સમૃદ્ધ મીડિયા કન્ટેન્ટ પોસ્ટ કરવું વગેરે જેવા વિવિધ ફિચર્સ આ વેબસાઈટ અને મોબાઈલ એપમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રગતિને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ગુજરાત ઉત્તમ નીતિ-નિર્માણ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ અભિગમ, મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઉચ્ચ જીવનધોરણનું પ્રદર્શન કરે છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2003થી 2023 દરમિયાન આ સમિટના 9 સંસ્કરણોનું સફળ આયોજન વિકાસને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વાઇબ્રન્ટ ગુજરાતના ‘વે ફોરવર્ડ’ (ભવિષ્યનો માર્ગ) વિશે છણાવટ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માત્ર વૈશ્વિક બિઝનેસ નેટવર્કિંગ માટેના પ્લેટફોર્મ તરીકે કામ કરતી નથી, પરંતુ રાજ્યમાં વેપાર અને રોકાણની તકોને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે.

આ બાબતને પરિપૂર્ણ કરવા, ગુજરાતની સક્ષમતા અને રોકાણની સંભાવનાઓને પ્રદર્શિત કરવા માટે 12 દેશોમાં 6 આંતરરાષ્ટ્રીય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ચેન્નઈ, ચંદીગઢ, ગુવાહાટી, જયપુર અને ઈન્દોરમાં 11 રાષ્ટ્રીય રોડ શો પણ યોજાશે.

વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટના જિલ્લા કક્ષાએ યોજાનારા નવતર અભિગમની જાણકારી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે,  વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટની આ પહેલનો હેતુ લોકોને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સાથે જોડવાનો છે. રાજ્યના તમામ 33 જિલ્લાઓ અને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાઓ મળી કુલ 37 જગ્યાઓએ વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ સ્થાનિક ઔદ્યોગિક/વ્યાપારિક એસોસિયેશનની ભાગીદારીમાં ઓક્ટોબર મહિનામાં યોજાશે. આ ક્રાર્યકમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થી, MSME, સ્ટાર્ટ અપ, સેલ્ફ હેલ્પ ગૃપ્સ, મહિલા ઉધોગ સાહસિકો, ખાદી ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગ વગેરેને સાંકળવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code