1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. વેઈટ લોસની ઉતાવળ પડી શકે છે ભારે: ઝડપથી વજન ઘટાડવા માટે લોકપ્રિય આ 5 ડાયટ પ્લાન વિશે જાણી લો
વેઈટ લોસની ઉતાવળ પડી શકે છે ભારે: ઝડપથી વજન ઘટાડવા માટે લોકપ્રિય આ 5 ડાયટ પ્લાન વિશે જાણી લો

વેઈટ લોસની ઉતાવળ પડી શકે છે ભારે: ઝડપથી વજન ઘટાડવા માટે લોકપ્રિય આ 5 ડાયટ પ્લાન વિશે જાણી લો

0
Social Share

વજન ઘટાડવું એ એક ધીમી પ્રક્રિયા છે જેમાં સાતત્ય અને ધીરજ સૌથી વધુ જરૂરી છે. જોકે, આજકાલ સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ લોકોમાં ‘ઝડપી વેઈટ લોસ’નો ક્રેઝ વધ્યો છે. લોકો અવનવા નુસખા અને ડાયટ પ્લાન ફોલો કરે છે, પરંતુ ઘણીવાર અધૂરી જાણકારી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે પણ ઝડપથી વજન ઘટાડવા માંગો છો, તો અત્યારે સૌથી વધુ લોકપ્રિય એવા આ 5 ડાયટ પ્લાન અને તેની પદ્ધતિ વિશે જાણવું જરૂરી છે.

  • ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ

આ હાલમાં સૌથી વધુ લોકપ્રિય પદ્ધતિ છે. તેમાં તમે ‘શું ખાશો’ તેના કરતા ‘ક્યારે ખાશો’ તેના પર ભાર મૂકવામાં આવે છે. સામાન્ય રીતે લોકો 16:8 નો નિયમ પાળે છે, જેમાં 16 કલાક ઉપવાસ અને 8 કલાક ખાવાનો સમય હોય છે. દાખલા તરીકે, સવારે 11 થી સાંજના 7 વાગ્યા સુધી ભોજન લેવું અને બાકીના સમયમાં માત્ર પાણી કે પ્રવાહી લેવું. શરૂઆતમાં ઓછા કલાકના ઉપવાસથી શરૂઆત કરવી હિતાવહ છે.

  • લો કાર્બ ડાયટ

આ ડાયટમાં કાર્બોહાઈડ્રેટ્સ (ખાંડ, પાસ્તા, બ્રેડ, ચોખા, બટાકા) ને સંપૂર્ણપણે બંધ અથવા ખૂબ ઓછા કરવામાં આવે છે. તેના બદલે પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને વિટામિન્સયુક્ત ખોરાક જેમ કે ઈંડા, માછલી, લીલા શાકભાજી અને નટ્સ (બદામ-અખરોટ) લેવામાં આવે છે. આ ડાયટ શરૂ કરતા પહેલા પ્રોપર ચાર્ટ બનાવવો જોઈએ જેથી શરીરમાં પોષક તત્વોની ઉણપ ન સર્જાય.

  • OMAD ડાયટ

આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનું જ આકરું સ્વરૂપ છે. જેનો અર્થ છે દિવસમાં માત્ર એક જ વાર જમવું. આમાં 23 કલાકનો ઉપવાસ અને માત્ર 1 કલાક જમવા માટે મળે છે. આનાથી કેલરી ખૂબ જ ઘટી જાય છે અને વજન ઝડપથી ઉતરે છે, પરંતુ તેનાથી શરીરમાં ભારે નબળાઈ આવી શકે છે. જે લોકો આ ડાયટ કરે છે તેમણે પોતાની એક પ્લેટમાં તમામ પોષક તત્વો મળે તેવો ખોરાક લેવો જોઈએ.

  • કીટો ડાયટ

કીટો ડાયટ ‘લો કાર્બ અને હાઈ ફેટ’ ના સિદ્ધાંત પર કામ કરે છે. જ્યારે તમે કાર્બોહાઈડ્રેટ્સ લેવાનું બંધ કરો છો, ત્યારે શરીર ઉર્જા માટે શરીરમાં રહેલી ચરબી (Fat) ને બાળવાનું શરૂ કરે છે. સામાન્ય રીતે કીટો ડાયટમાં 70% ફેટ, મધ્યમ પ્રોટીન અને માત્ર 5 થી 10% જ કાર્બ્સ હોય છે. આ ડાયટ ફેટ બર્ન કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

  • વેરી લો-કેલરી ડાયટ

જેમ નામ સૂચવે છે તેમ, આ ડાયટમાં કેલરીનું પ્રમાણ અત્યંત ઘટાડી દેવામાં આવે છે. દિવસ દરમિયાન માત્ર 800 થી 1000 કેલરી જ લઈ શકાય છે. આ ડાયટ મુખ્યત્વે એવા લોકો માટે છે જેમનું વજન ખૂબ જ વધારે હોય, પરંતુ તે નિષ્ણાતોની કડક દેખરેખ હેઠળ જ કરવું જોઈએ, અન્યથા તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

કોઈપણ ડાયટ પ્લાન દરેક વ્યક્તિના શરીર મુજબ અલગ અસર કરે છે. ઝડપથી વજન ઘટાડવાની લ્હાયમાં કિડની, લિવર કે હૃદય પર દબાણ ન આવે તે જોવું જોઈએ. ડાયટિંગ શરૂ કરતા પહેલા હંમેશા ડાયટિશિયન કે હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી શ્રેષ્ઠ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code