
બાબરના મકબરા પર ગયા, પણ રામલલાથી આટલી નફરત કેમ?: પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યું તો હિમંત બિસ્વા સરમા કોંગ્રેસ પર વરસ્યા
નવી દિલ્હી: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકારણ સમાપ્ત થવાનું નામ લઈ રહ્યું નથી. કૉંગ્રેસે જ્યાં અયોધ્યાના કાર્યક્રમને એક ચૂંટણી ઈવેન્ટ ગણાવી છે, તો ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધતા તેને મુઘલ શાસક બાબર પ્રત્યે ઉદાર ગણાવી છે. કોંગ્રેસ દ્વારા અયોધ્યા કાર્યક્રમના નિમંત્રણને ઠુકરાવાયા બાદ ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુરુવારે બાબરના મકબરા પર પહોંચી રાહુલ ગાંધીની જૂની તસવીરો શેયર કરી છે. સવાલ કર્યો છે કે ગાંધી પરિવારની ત્રણ પેઢીઓ આવી ચુકી છે, પરંતુ રામલલાથી આટલી નફરત કેમ છે?
હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધીની તસવીરને એક્સ પર શેયર કરતા લખ્યુ છે કે 2005માં રાહુલ ગાંધી સહીત ગાંધી પરિવારની ત્રણ પેઢીઓએ અફઘાનિસ્તાનમાં બાબરના મકબરાની મુલાકાત લીધી છે. રામલલાથી આટલી નફરત કેમ ? તમે હિંદુઓથી આટલી નફરત કેમ કરો છો?
Three generations of the Gandhi family, including Rahul Gandhi in 2005, visited the Babar Tomb in Afghanistan. Why is there so much hatred for Ram Lala? Why do you hate Hindus so much? pic.twitter.com/wDG1p4lp6M
— Himanta Biswa Sarma (@himantabiswa) January 11, 2024
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસે બુધવારે અયોધ્યા કાર્યક્રમ પર પોતાનું વલણ સ્પષ્ટ કરું અને કહ્યું કે સોનિયા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે અને અધીર રંજન ચૌધરી આ કાર્યક્રમમાં સામેલ થશે નહીં. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ કાર્યક્રમ સ્પષ્ટપણે ભાજપ અને આરએસએસનો કાર્યક્રમ છે અને મંદિર હજી સુધી પુરું થયું નથી. પરંતુ ભાજપને પ્રાણપ્રતિષ્ઠા કરવાની ઉતાવળ છે, કારણ કે લોકસભા ચૂંટણી નજીક છે.
કોંગ્રેસના આ નિવેદન બાદથી ભાજપ અને કોંગ્રેસની વચ્ચે તીખી નોકઝોંક ચાલુ છે. આ ક્રમમાં ભાજપ કોંગ્રેસને હિંદુ વિરોધી ગણાવી રહ્યું છે. રાહુલ ગાંધીની તસવીરથી પહેલા ભાજપે નહેરુનો ઉલ્લેખ કર્યો. ભાજપે કહ્યું છે કે નહેરુએ સોમનાથ મંદિર સાથે પણ આવું જ કર્યું હતું અને ઈતિહાસ કોંગ્રેસને હિંદુ વિરોધી પાર્ટી માનતો રહેશે. હિમંતે પોતાની પહેલી પોસ્ટમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે અયોધ્યા આવવાના આ આમંત્રણનો સ્વીકાર કરીને કોંગ્રેસ પ્રતીકાત્મક રીતે હિંદુ સમાજની માફી માંગી શકતો હતો.
બીજી તરફ કોંગ્રેસે નહેરુના સંદર્ભે પ્રતિક્રિયા વ્યક્ત કરતા તેમને સંપૂર્ણપણે પારદર્શક ગણાવ્યા. કોંગ્રેસ સિવાય સીપીએમ અને ટીએમસીએ પણ અયોધ્યા કાર્યક્રમને ભાજપની રાજકીય ઈવેન્ટ ગણાવ્યો છે. આ પાર્ટીઓનું કહેવું છે કે ભાજપ આ કાર્યક્રમથી રાજકીય ફાયદો ઉઠાવવાની ફિરાકમાં છે. પોતાના વિચારમાં આ પાર્ટીઓએ ધર્મને અંગત મામલો ગણાવ્યો. જો કે સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવે કહ્યું હતું કે તેઓ આ કાર્યક્રમમાં સામેલ થવા ઈચ્છશે. પરતું સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યુ કે ધર્મ રાજનીતિનો હિસ્સો બની શકે નહીં.