1. Home
  2. ગુજરાતી
  3. પશ્ચિમ એશિયા કટોકટી: ભારત સરકારે ઈંધણ અને નાગરિકોની સુરક્ષા માટે લીધા મોટા નિર્ણય
પશ્ચિમ એશિયા કટોકટી: ભારત સરકારે ઈંધણ અને નાગરિકોની સુરક્ષા માટે લીધા મોટા નિર્ણય

પશ્ચિમ એશિયા કટોકટી: ભારત સરકારે ઈંધણ અને નાગરિકોની સુરક્ષા માટે લીધા મોટા નિર્ણય

0
Social Share

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિર ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને પગલે ભારત સરકારે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમર કસી છે. આજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે આયોજિત બ્રીફિંગમાં પેટ્રોલિયમ, વિદેશ મંત્રાલય અને ડેરી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના પગલાંની વિગતો આપી હતી.

પશુપાલન અને ડેરી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમ એશિયાની કટોકટીની અસર દેશના ડેરી ઉદ્યોગ પર પડવા દેવામાં આવશે નહીં. દેશભરમાં દૂધની પ્રાપ્તિ અને વિતરણ સામાન્ય છે. ભાવમાં કોઈ વધારો થશે નહીં. રી પ્લાન્ટ્સ માટે માર્ચ 2026 પૂર્વેના જથ્થાના 70% એલપીજી પુરવઠો અનામત રાખવામાં આવ્યો છે. પ્લાસ્ટિક કપ અને પેકેજિંગ માટે જરૂરી LDPE અને પોલીપ્રોપીલીનનો પૂરતો જથ્થો ફાળવવામાં આવ્યો છે. 30 માર્ચથી લોન્ચ કરાયેલા ખાસ પોર્ટલ દ્વારા દૂધ અને ઈંધણની ઉપલબ્ધતાનું દૈનિક નિરીક્ષણ કરવામાં આવે છે.

પેટ્રોલિયમ મંત્રાલયે હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે દેશમાં ઈંધણની સુરક્ષા માટે વિસ્તૃત પ્લાન રજૂ કર્યો છે. સરકારે નાગરિકોને પેટ્રોલ, ડીઝલ કે એલપીજીનો સંગ્રહ ન કરવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે. એલપીજી ગ્રાહકોને ડિજિટલ બુકિંગ કરવા અને શક્ય હોય ત્યાં સુધી PNG અથવા ઇન્ડક્શન કૂકટોપ વાપરવા પ્રોત્સાહિત કરાયા છે. સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં લિટર દીઠ રૂ. 10નો ઘટાડો કર્યો છે, જેથી આંતરરાષ્ટ્રીય કિંમતોના વધારા સામે ગ્રાહકોને રક્ષણ મળે. સંગ્રહખોરી રોકવા માટે દેશભરમાં 2200થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે અને અનેક વિતરકોને સસ્પેન્ડ કરાયા છે.

વિદેશ મંત્રાલય પશ્ચિમ એશિયામાં વસતા ભારતીયોના સતત સંપર્કમાં છે. દરમિયાન તાજેતરમાં પ્રધાનમંત્રીના નિર્દેશ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે સાઉદી અરેબિયાની મુલાકાત લીધી છે. અત્યાર સુધીમાં 2590 થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જ ઈરાકથી 12 નાવિકો મુંબઈ પહોંચ્યા હતા. UAE, સાઉદી અરેબિયા અને કતારથી ફ્લાઇટ્સ કાર્યરત છે. કુવૈતનું હવાઈ ક્ષેત્ર બંધ હોવા છતાં દમ્મામથી નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ્સ દ્વારા ભારતીયોને પરત લાવવાની વ્યવસ્થા કરાઈ છે.

બંદરો પર કોઈ ભીડ નથી અને 97 ટકા કન્ટેનર ક્લિયર કરી દેવામાં આવ્યા છે. હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ભારતીય જહાજો સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે અને ભારતીય નૌકાદળ તેમજ વિદેશ મંત્રાલય સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.

વધુ વાંચો: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે મહાસાગર એકેડેમીનું ઉદ્ઘાટન, દરિયાઈ સુરક્ષા અને કાયદા ક્ષેત્રે ભારતનું નવું કદમ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code