
અમદાવાદઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચુંકી છે. આઠ તબક્કામાં મતદાન યોજાશે. ચૂંટણીને લઈને રાજકીયપક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. જ્યારે કોંગ્રેસે બંને પાર્ટીઓને ટક્કર આપવા માટે ડાબેરીઓ સાથે હાથ મીલાવ્યો છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના ત્રણ ધારાસભ્યોને મહત્વની જવાબદારી સોંપવામા આવી છે. ગુજરાત કોંગ્રેસના ત્રણ નેતાઓને નિરીક્ષકની જવાબદારી આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળમાં તા. 27મી માર્ચના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળમાં કુલ આઠ તબક્કામાં મતદાન યોજાશે. વિધાનસભાની આ ચૂંટણી ઉપર દેશના મોટાભાગના રાજકીય તજજ્ઞોની નજર છે. અહીં છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમજ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા અગાઉથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસે પણ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યું છે. આ ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ગુજરાત કોંગ્રેસના ત્રણ નેતા કૈલાશ ગઢવી, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને કોર્પોરેટર શહેઝાદખાન પઠાણને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કૈલાશ ગઢવીને દક્ષિણ કોલકત્તા, અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ઉત્તર દીનાજૈપુર જિલ્લા તથા શહેજાદખાન પઠાણને સાઉથ 24 પરગણાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેથી ગુજરાતના આ ત્રણેય નેતાઓ હવે પશ્ચિમ બંગાળમાં ધામા નાખશે અને કોંગ્રેસનો પ્રચાર-પ્રસાર કરશે.