નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરની એક કોર્ટે એક ખાનગી કોલેજમાં મેડિકલ વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના કેસમાં વધુ બે શંકાસ્પદોને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. આ ઘટનામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓને પહેલાથી જ દસ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝ ગઈકાલે દુર્ગાપુરમાં પીડિતાને મળ્યા હતા.
આ ઘટનાને “હૃદયદ્રાવક” ગણાવતા, રાજ્યપાલે પીડિતાના માતા-પિતા સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને ખાતરી આપી કે, ન્યાય સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે, આ કેસમાં શાસક તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સંડોવાયેલા છે.
ભાજપના નેતા અને લોકસભા સાંસદ બાંસુરી સ્વરાજે પણ આ ઘટનાની સખત નિંદા કરી હતી.ઓડિશા મહિલા આયોગની ત્રણ સભ્યોની ટીમે, અધ્યક્ષ સોવના મોહંતીના નેતૃત્વમાં, પીડિતાની મુલાકાત લીધી હતી. ડાબેરીઓ સહિત અનેક રાજકીય પક્ષોએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની તાજેતરની ટિપ્પણીની ટીકા કરી હતી. મહિલા સંગઠનો અને નાગરિક સમાજે પણ પીડિતાને દાખલ કરાયેલી ખાનગી મેડિકલ કોલેજની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.