1. Home
  2. revoinews
  3. પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ગુજરાતનો ટેબ્લો કેવો હશે? જુઓ VIDEO
પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ગુજરાતનો ટેબ્લો કેવો હશે? જુઓ VIDEO

પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ગુજરાતનો ટેબ્લો કેવો હશે? જુઓ VIDEO

0
Social Share
  • ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહેશે

નવી દિલ્હી: ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ – Republic Day પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રય અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ”! ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ છે.

આ સાથે ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ : શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઊભી કરે છે.

Republic Day 2026
Republic Day 2026

મેડમ ભિખાઈજી કામાના પ્રદાનને ભવ્ય અંજલિ

આ ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાને સ્વરચિત ‘વંદે માતરમ’ લિખિત ધ્વજ સાથે દર્શાવવામાં આવ્યા છે. જે તેમણે સૌ પ્રથમ વખત વિદેશીભૂમિ ઉપર વર્ષ ૧૯૦૭માં પેરિસમાં લહેરાવ્યો હતો. આ ધ્વજ જર્મનીના બર્લિનના સ્ટુટગાર્ટની ‘ઇન્ડિયન સોશિયાલિસ્ટ કોન્ફરન્સ’મા પણ રજુ કરવામાં આવ્યો હતો. મેડમ કામાની આ ધ્વજ લહેરાવતી અર્ધ-પ્રતિમાની નીચે દેશના બંધારણમાં સ્વીકૃત વિવિધ ભારતીય ભાષામાં ‘વંદે માતરમ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ટેબ્લોના હૃદયસમા પૃષ્ઠભાગમાં રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખને વર્ણવવામાં આવી છે, જેનો પ્રારંભ વર્ષ 1906થી થાય છે. કોલકાતાના પારસી બાગાનમાં વિદેશી ચીજવસ્તુઓની હોળી અને સ્વદેશીનો સ્વીકાર કરતી વખતે ક્રાંતિકારીઓએ ‘વંદે માતરમ’ લખેલો ધ્વજ સૌ પ્રથમ વખત ફરકાવ્યો હતો.

ત્યારબાદ ૧૯૦૭માં વિદેશીભૂમિ પરથી ભારતીય ક્રાંતિની જ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તેમણે તૈયાર કરેલો ધ્વજ પેરિસમાં લહેરાવ્યો હતો. વર્ષ ૧૯૧૭માં હોમરુલ ચળવળના ભાગરૂપે એની બેસન્ટ અને બાળગંગાધર તિલક દ્વારા એક નવતર ધ્વજ ફરકાવવામાં આવ્યો, જ્યારે વર્ષ ૧૯૨૧માં વિજયવાડામાં યુવા ક્રાંતિવીર પીંગળી વેંકૈયાએ એક નવી ડિઝાઈનનો ધ્વજ બનાવ્યો અને ગાંધીજી સમક્ષ રજુ કર્યો.

ક્રાંતિવીર પીંગળી વેંકૈયાનું પ્રદાન

૧૯૩૧માં પીંગળીએ તૈયાર કરેલા ચરખા અને ત્રણ રંગો સાથે કેટલાક સુધારા સાથેનો ધ્વજ લગભગ સ્વીકૃતિ પામ્યો. જો કે આખરે ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ મધ્યમાં ધર્મચક્ર સાથેના ત્રિરંગાને ભારતીય બંધારણ સભાએ સ્વીકૃતિ આપી. પ્રવર્તમાન રાષ્ટ્રધ્વજની આ નિર્માણયાત્રા સાથે ભારતીય સ્વતંત્રતાની મહત્વની ચળવળોનું પણ આ ટેબ્લોમાં નિદર્શન કરવામાં આવ્યું છે.

સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત ‘કસુંબીનો રંગ’ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા છે.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૭ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ૧૩ ઝાંખીઓ મળીને કુલ ૩૦ ટેબ્લોનું પ્રદર્શન થનારું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ૭૭-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના બે વરિષ્ઠ નેતા- યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયેન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડે, માહિતી કમિશ્નર કિશોર બચાણી, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ. સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા યોગદાન આપી રહ્યાં છે.

આ પણ વાંચોઃ વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code