
ડીસા તાલુકામાં અતિવૃષ્ટિને લીધે નુકશાનનો સર્વે ક્યારે?, દાંતીવાડા ડેમએ 591 ફૂટની સપાટી વટાવી
પાલનપુરઃ બનાસકાંઠામાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. સારા વસાદને કારણે બનાસનદીમાં પૂર આવતા દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી 591 ફુટને વટાવી ગઈ છે. દરમિયાન ડીસા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે કૃષિપાકને સારૂએવું નુકશાન થયું છે. જેમાં તાલુકાના વરણ ગામે પણ ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. પરંતુ તંત્ર દ્વારા ગામમાં હજુ સુધી કોઈ સર્વે કે મુલાકાત ન લેતા લોકોમાં રોષ ફેલાયો છે. જો તાત્કાલિક સર્વે નહીં થાય તો ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામમાં તબાહી સર્જાઇ છે. ત્યારે ડીસા તાલુકાના વરણ ગામે પણ ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. પરંતુ તંત્ર દ્વારા ગામમાં હજુ સુધી કોઈ સર્વે કે મુલાકાત ન લેતા લોકોમાં રોષ ફેલાયો છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 48 કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ડીસાના વરણ ગામમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ખેતરો પાણીના બેટમાં ફેરવાતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત પાણીનો પ્રવાહ વધતા વરણ તેમજ આજુબાજુના ખેતરોમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી મગફળી અને બાજરી જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ બે દિવસ પડેલા ભારે વરસાદના પગલે આ તમામ પાકો વરસાદી પાણીના વહેણમાં વહી ગયા છે. અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એટલે તાકિદે સર્વે કરીને સહાય આપવાની માગ કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદી બે કાંઠે વહેતા દાંતીવાડા ડેમમાં પાણીનો વધારો થતા દાંતીવાડા ડેમનું લેવલ 591.70 ફૂટે પહોંચ્યું છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેને દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. દાંતીવાડા ડેમમાં અત્યારે 4767 ક્યૂસેક પાણીની આવક શરૂ છે. જેને લઇ દાંતીવાડા ડેમનું લેવલ 591.79 ફૂટે પહોંચ્યું છે. દાંતીવાડા ડેમમાં 66.78 ટકા પાણી સંગ્રહ થયું છે.