Site icon Revoi.in

અમદાવાદ-રાજકોટ સિક્સલેન હાઈવેનું કામ ક્યારે પૂર્ણ કરાશે

Social Share

રાજકોટઃ કેન્દ્ર સરકારનાં સડક, પરિવહન અને રાજમાર્ગનાં મંત્રી અજય ટમટાએ રાજકોટમાં કેન્દ્રીય બજેટને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં બજેટના ભરપુર વખાણ કર્યા હતા. પત્રકારોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં તેમણે  અમદાવાદ-રાજકોટ હાઈવેનાં કામમાં અતિશય ઢીલને લઈને જમીન સંપાદનમાં સમય ગયાનો બચાવ કર્યો હતો જ્યારે જેતપુર હાઈવે પર અવારનવાર થતા ટ્રાફિકજામ નિવારવા જરૂરી પગલાં લેવા સ્થળ પરથી નેશનલ હાઈવે ઓથોરિટીનાં અધિકારીને આદેશ આપ્યો હતો.

કેન્દ્રીય રાજયમંત્રી અજય ટમટાએ અમદાવાદ રાજકોટ હાઈવેનાં કામમાં ઢીલ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, કોઈપણ રસ્તાને પહોળો કરવાની કામગીરી શરૂ કર્યા બાદ જમીન સંપાદનની પ્રક્રિયા અતિ જટિલ હોય છે. ખાનગી હોય કે સરકારી તેમજ ફોરેસ્ટ અને રેલવે તંત્રની જમીન સંપાદન કરવાની હોય છે. જેમાં અનેક નિયમો ઉપરાંત ઘણીવાર કોર્ટ કચેરી સહિતનાં બનાવો બનતા હોય છે. અને યોગ્ય સમયે જમીન નહીં મળતા આવી કામગીરીમાં ઢીલ થતી હોય છે. જોકે આ હાઈવે માટે જમીન સંપાદન કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં લેઈટ થવા અંગે આ સમસ્યા નોંધી લઈને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી.

કેન્દ્રિય મંત્રીએ  રાજકોટ-જેતપુર હાઈવે પર 67 કિલોમીટર વિસ્તારમાં 2 ટોલનાકા હોવા અંગે જણાવ્યું હતું કે, ઘણીવાર અમુક રસ્તા ઉપર રેલવેની લાઇન પર બ્રીજ બનાવવો સહિતનાં એક્સ્ટ્રા કામો કરવા પડતા હોય છે. આવા રસ્તાઓ પર ટોલનાકા લગાવવા પડતા હોય છે. પરંતુ ટોલનો રેઈટ હેવી વાહન અને ખાનગી કારો માટે પ્રતિ કિલોમીટર નિર્ધારિત થતો હોય છે. જેના કારણે જે કોઈ સ્થળે ઓછા અંતરે ટોલનાકા હોય ત્યાં ટોલનાં દર ઓછા હોય છે. જેને કારણે ટોલનાકા એક કરતાં વધારે હોવાથી ખાસ ફરક પડતો નથી. પરંતુ આગામી સમયમાં આ માટે નવી ટેકનોલોજી લાવવા વિચારણા ચાલી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકો જે ટોલનાકાની 10-15 કિલોમીટરનાં વિસ્તારમાં રહેતા હોય તેવા લોકોને વધુ મુશ્કેલી પડતી હોય છે. પરંતુ આવા લોકો માટે પાસ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આવા વાહનો માટે પાસ કઢાવી લેવાની મારી લોકોને અપીલ છે. ઉપરાંત રાજકોટ-જેતપુર હાઈવે ઉપર થતા ટ્રાફિકજામ મામલે જણાવ્યું હતું કે, નવું કામ ચાલતું હોય ત્યાં આ પ્રકારની સમસ્યાઓ રહે છે. જેમાં સામાન્ય માણસોની માફક જ સાંસદ અને ધારાસભ્યો પણ ટ્રાફિકજામમાં ફંસાતા હોય છે. પરંતુ એમ્બ્યુલન્સ પણ ફસાતી હોવાનું મીડિયા દ્વારા જણાવવામાં આવતા તરત જ અધિકારીને બોલાવી આ સમસ્યા માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવા આદેશ પણ આપ્યો હતો.