
ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર શા માટે ઉજવવામાં આવે છે ‘ગુડ ગવર્નન્સ ડે’, જાણો તેનો ઈતિહાસ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કારકિર્દી ભારતના ઈતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ તરીકે ઓળખાય છે.અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસર પર દર વર્ષે ભારતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસ સંપૂર્ણપણે અટલ બિહારી વાજપેયીને સમર્પિત છે.
અટલ બિહારી વાજપેયી પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતા.તેમણે અનેક ક્ષેત્રોમાં ભારતનું નામ રોશન કર્યું છે.2014માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીના સન્માનમાં દર વર્ષે 25 ડિસેમ્બરને ‘સુશાસન દિવસ’ તરીકે જાહેર કર્યો હતો.
ભારત સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે,દર વર્ષે 25 ડિસેમ્બરે ગુડ ગવર્નન્સ ડે ઉજવવામાં આવશે.આ દિવસે અટલ બિહારી વાજપેયીના કાર્યોને યાદ કરવામાં આવે છે.તેમજ ઘણી જગ્યાએ સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.તેમના દ્વારા અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વ અને કાર્યોનો પરિચય થાય છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો.તેઓ ત્રણ વખત ભારતના વડાપ્રધાન બન્યા.તેઓ 1996માં પ્રથમ વખત અને 1998-99માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા.13 ઓક્ટોબર 1999ના રોજ તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા.અટલ બિહારી વાજપેયી સંયુક્ત રાષ્ટ્રને હિન્દીમાં સંબોધન કરનાર પ્રથમ નેતા હતા.તેમને હિન્દી ખૂબ જ પસંદ હતી.તેમને 27 માર્ચ 2015ના રોજ ‘ભારત રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.16 ઓગસ્ટ 2018ના રોજ તેમનું અવસાન થયું હતું. અટલ બિહારી વાજપેયી એક ઉત્સાહી રાજનેતા, એક સજ્જન કવિ, પરોપકારી, સૌમ્ય હિન્દુત્વવાદી તરીકે જાણીતા હતા.હિન્દુત્વના વલણ તરફ ઝુકાવ હોવા છતાં વાજપેયીએ હંમેશા બિનસાંપ્રદાયિકતાનું સમર્થન કર્યું.એટલા માટે તેમને ‘રાઈટ મેન ઇન રાંગ પાર્ટી’ કહેવામાં આવ્યા હતા.