Site icon Revoi.in

ફરજિયાત મીટર લગાવવાનો નિયમ ફક્ત રિક્ષાઓમાં જ કેમ ? પરમિટવાળા અન્ય વાહનોમાં કેમ નહીં

Social Share

અમદાવાદઃ ઓટારિક્ષામાં ફ્લેગ મીટર લગાવવું ફરિજિયાત છે. જો ફ્લેગ મીટર લગાવેલું ન હોય તો પોલીસ રિક્ષાચાલકો સામે ગુનો નોંધી શકે છે. ત્યારે અમદાવાદ અને વડોદરાના રિક્ષાચાલક યુનિયન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી છે, જેમાં એવી રજુઆત કરવામાં આવી છે. કે, ફ્લેગ મીટર લગાવવાનો નિયમ માત્ર રિક્ષાઓને જ કેમ ?. કાયદા મુજબ દરેક પ્રકારના પરમિટવાળા ટ્રાન્સપોર્ટ વાહનો જેમાં ટુ વ્હિલર, થ્રી વ્હિલર, ટેકસી-મેકસી કેબ, બસ, લકઝરી અને ભારવાહક હેવી વાહનોમાં પણ કિલોમીટર માપવા અલાયદું મીટર હોવું જ જોઈએ જે પ્રજા હિતમાં છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારી વકીલને આવો નિયમ ફક્ત ઓટોરિક્ષા ચાલકો માટે છે કે એની પેસેન્જર કોમર્શિયલ વાહનો માટે પણ છે, તે અંગે સૂચના મેળવી જવાબ આપવા જણાવ્યું છે

અમદાવાદ અને વડોદરા શહેરના ઓટોરીક્ષા યુનિયનો દ્વારા હાઇકોર્ટમાં રિટ દાખલ કરીને રાજ્યમાં ઓટોરિક્ષામાં લગાવવામાં આવતા ફલેગ મીટર ન લગાડતા કરવામાં આવતા દંડને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. જેમાં દર્શાવ્યા મુજબ કાયદા મુજબ દરેક પ્રકારના પરમિટવાળા ટ્રાન્સપોર્ટ વાહનો જેમાં ટુ વ્હિલર, થ્રી વ્હિલર, ટેકસી-મેકસી કેબ, બસ, લકઝરી અને ભારવાહક હેવી વાહનોમાં પણ કિલોમીટર માપવા અલાયદું મીટર હોવું જ જોઈએ જે પ્રજા હિતમાં છે. પરંતુ ફકત ઓટોરીક્ષા ચાલકો ઉપર આ કાયદાની અમલવારી અને દંડ રાજય સરકારની ભેદભાવ ભરી નિતી દર્શાવે છે.

રાજ્ય દ્વારા બંધારણના આર્ટિકલ 14 મુજબ સમાનતાના હકકનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ફક્ત ઓટો રિક્ષાને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. બીજા કોમર્શિયલ પેસેન્જર વાહનોને શા માટે નોટીફિકેશનમાં મીટર લગાવવાથી બાકાત રાખવામાં આવ્યા છે ? કેબ ટેક્સી માટે આવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. જો બધા કોમર્સિયલ પેસેન્જર વાહનોને મીટર ફરજિયાત કરાય તો અરજદારોને આ જાહેરનામા સામે કોઈ વાંધો નથી.

પોલીસ કમિશનર અમદાવાદ અને કાલુપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર દ્વારા આપવામાં આવેલા કચેરી હુકમ કે જેમાં 01 જાન્યુઆરી, 2025 થી ઓટોરિક્ષામાં ફલેગ મીટર લગાવવાનું ફરજિયાત હોય તેમજ ફલેગ મીટર ન લગાવેલ હોય કે બગડેલ હોય તો દંડ કરવામાં આવે છે. આ રજુઆત બાદ હાઇકોર્ટે સરકારી વકીલને આવો નિયમ ફક્ત ઓટોરિક્ષા ચાલકો માટે છે કે એની પેસેન્જર કોમર્શિયલ વાહનો માટે પણ છે, તે અંગે સૂચના મેળવી જવાબ આપવા જણાવ્યું છે. આ મુદ્દે વધુ સુનવણી 21 એપ્રિલે યોજાશે.

Exit mobile version