
- રાજ્યમાં અત્યાર સુધીમાં 84 ટકા વરસાદ વરસ્યો
- દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
- નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
- હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરી
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહીત અનેક શહેરોમાં ભારે વરસાદ થયો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. રાજ્યમાં 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે દક્ષિણ ગુજરાતના સુરતના પલસાણામાં 8.7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાની સીઝનનો 84% વરસાદ વરસી ચુક્યો છે. જે છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વ્યારામાં 8.2 ઈંચ, ડોલવણમાં 7 ઈંચ વરસાદ, બારડોલીમાં 7 ઈંચ, સોનગઢમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરતના માંડવીમાં 5.2 ઈંચ, મહુવામાં 5.2 ઈંચ વરસાદ નોંધાયો હતો.વાલોદમાં 4.9 ઈંચ, નવસારીમાં 4.5 ઈંચ વરસાદ, ઉમરપાડામાં 4.2 ઈંચ, મેધરજમાં 3.9 ઈંચ વરસાદ, 37 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, દ્વારકા,ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. તથા અન્ય જીલ્લામાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ સમગ્ર દિવસ દરમિયાન આકાશ વાદળછાયુ રહ્યું હતું અને હળવો વરસાદ વરસ્યો હતો.