Site icon Revoi.in

હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદી, 50 ટકાથી વધુ કારખાનાને તાળા લાગ્યા

Social Share

સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીની મોકાણ ચાલી રહી છે. તેજી આવશે એની રાહમાં કંટાળીને ઘણાબધા રત્નકલાકારો હવે અન્ય ધંધા તરફ વળી રહ્યા છે. જ્યારે ઘણા રત્નકલાકારો પરિવાર સાથે બિસ્તરા-પોટલાં બાંધીને પોતાના માદરે વતન ગામડાંમાં જઈને ખેતીના કામે જોતરાઈ ગયા છે. સુરત, ભાવનગર, અમરેલી સહિત શહેરોમાં હીરાના 50 ટકા કારખાનાને ખંભાતી તાળાં લાગી ગયા છે.

હીરાના કારખાનામાં વેકેશન ખુલ્યા બાદ બે મહિનાથી વધુ સમય થઈ ગયો, પણ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. હીરાના કારખાનામાં કામ ન હોવાથી 50 ટકા કારખાનાં બંધ થતાં 70 ટકા પ્રોડક્શન પણ ઘટ્યું છે. આ અંગે  વિવેકાનંદ ડાયમંડ એસો.ના પ્રમુખ નરસિંહ પટેલે જણાવ્યું કે, હીરા ઉદ્યોગમાં છેલ્લાં 35 વર્ષથી હીરામાં તેજી મંદીનો દોર જોવા મળતો હોય છે. વર્ષ 2008માં મંદી આવી હતી.  પરંતુ થોડા સમયમાં હીરા ઉદ્યોગ ફરી ધમધમતો થયો હતો. જોકે એક મહિનાથી હીરા ઉદ્યોગમાં ફરી મંદી ઊભી થતાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનાં બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે. રશિયા-યુક્રેન યુદ્ધને પગલે દોઢ વર્ષથી વધુ સમય થયો તે બાદ પણ હીરાની ચમક પરત આવી નથી. દિવાળી વેકેશન ખૂલતા જ 25 ટકાથી વધુ રત્ન કલાકારો અન્ય ઉદ્યોગોમાં જોડાયા છે. દિવાળી પહેલાં 700 કારખાનાં હતાં, તેમાંથી 50 ટકા હાલ બંધ થયા છે. આશરે 70 હજાર રત્ન કલાકારો 20 વર્ષથી કામ કરતા હતા, જેમાંથી મોટા ભાગના અન્ય વેપાર ધંધા સાથે જોડાયા છે. તો કેટલાક રત્ન કલાકારો પોતાના વતનમાંથી વેકેશન બાદ પરત ફર્યા નથી. હાલ કેટલાંક કારખાનાં પણ માત્ર ગણતરીના કલાકો ચાલે છે, જેથી રત્ન કલાકારોને ફાયદો થાય તે માટે 20 ટકા કાચી રફમાં લેબરને ફાયદો થાય તેવી વ્યવસ્થા કરવાની માગ ઊભી થઈ છે. આ સાથે બજેટમાં કોઈ પણ જાતનો ફાયદો આપ્યો ન હોવાથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. (File photo)

Exit mobile version