Site icon Revoi.in

બરોડા ડેરીમાં 9 બેઠક બિન હરીફ થતા હવે ચાર બેઠકોની ચૂંટણી 18 માર્ચે યોજાશે

Social Share

વડોદરા, 08 માર્ચ 2026: Baroda Dairy elections to be held on March 18  બરોડા ડેરીની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચિત્ર સ્પષ્ટ થયું છે. નવ ઉમેદવારો બિનહરીફ થતા હવે ચાર ઝોનમાં ચૂંટણી 18 માર્ચે યોજાશે. 18મી માર્ચે યોજાનારી ચૂંટણીમાં ચાર ઝોનમાં બે-બે ઉમેદવારો એટલે કે 8 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે. 18 તારીખે બપોરે 3 વાગ્યા સુધી વોટિંગ થશે અને 3 વાગ્યા પછી કાઉન્ટિંગ કરવામાં આવશે.

બરોડા ડેરી માટેના ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેએ જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. જેમાં હવે કુલ 17 ફોર્મ રહ્યા છે. જેમાં 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જ્યારે ચાર ઝોનમાં ચૂંટણી યોજવામાં આવશે. આ ચાર ઝોનમાં બે-બે ઉમેદવારો એટલે કે 8 ઉમેદવારો સામસામે છે. 18મી માર્ચે ચાર ઝોનમાં ચૂંટણી યોજશે.  જેમ હરીફ ઉમેદવારમાં ઝોન 4માં હિતેશભાઈ મફતભાઈ પટેલ, પાર્થિવ શૈલેષભાઈ પટેલ, ઝોન-6માં કુલદીપસિંહ ઉદયસિંહ રાહુલજી અને સુરપાલસિંહ ચિમનસિંહ પરમાર, ઝોન-8માં દીક્ષિતભાઈ ભીખાભાઈ પટેલ અને પ્રહલાદભાઈ મંગળદાસ પટેલ તેમજ ઝોન-12માં રણજીતસિંહ મોહનસિંહ રાઠવા અને રાઠવા ગેમલભાઈ વિઠ્ઠલભાઈ સામ સામે છે.

બરોડા ડેરીની ચૂંટણીમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર વધુ રસ લે છે ત્યારે આ બેઠક પર કુલદીપસિંહ અને સૂરપાલસિંહ બંને ભાજપના જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે સૂરપાળસિંહને મૌખિક મેન્ડેડ આપ્યું હતું ત્યારે એમ હતું કે, કુલદીપસિંહ ફોર્મ પરત ખેંચશે પરંતુ  તેઓએ ફોર્મ પરત ખેંચ્યું ન હતું. અગાઉના વર્ષોમાં કુલદીપસિંહ કેતન ઇનામદાર સામે ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યારે તેઓ ડેરીમાં ડિરેક્ટર ન બને તેવા પણ પ્રયાસો કરાયા હતા. ત્યારે હવે આ બેઠક ઉપર ખરાખરીનો જંગ જોવા મળશે. સોમવારના રોજ સત્તાવાર રીતે હરીફ અને બિનહરીફ ઉમેદવારોની યાદી પબ્લિશ કરાશે અને એના પછી 18 તારીખે બપોરે 3 વાગ્યા સુધી વોટિંગ થશે અને 3 વાગ્યા પછી કાઉન્ટિંગ કરવામાં આવશે.

Exit mobile version