
માર્ચના અંત સુધીમાં મોંઘવારી તેની ટોચ ઉપર પહોંચવાની શક્યતા, RBIએ વ્યાજદરોમાં કોઈ ફેરપાર ના કર્યો
નવી દિલ્હીઃ દેશની જનતા અસહ્ય મોંઘવારીનો સામનો કરી રહી છે ત્યારે જનતાને વધુ એક ઝટકો લાગી શકે છે. માર્ચના અંત સુધીમાં મોંઘવારી તેની ટોચે પહોંચવાની સંભાવના આરબીઆઈના ગવર્નરે વ્યક્ત કરી છે. એટલું જ નહીં લોન પણ અત્યારે સસ્તી થવાનો કોઈ એંધાણ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ પણ છે કે તમારી હાલની EMIમાં કોઈ ફેરફાર થશે નહીં.
RBIએ નાણાકીય વર્ષ 2021-22માં છૂટક ફુગાવાનો દર (CPI) 5.3% રહેવાનો અંદાજ મૂક્યો છે. તે ચોથા ક્વાર્ટરમાં 5.7% હોઈ શકે છે. નાણાકીય વર્ષ 2022-23 માટે CPI ફુગાવાનો અંદાજ 4.5% છે. 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં ફુગાવો 4.9%, બીજા ક્વાર્ટરમાં 5%, ત્રીજા ક્વાર્ટરમાં 4% અને ચોથા ક્વાર્ટરમાં 4.2% રહેવાની ધારણા છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠકમાં રેપો અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેપો રેટ જે લોનના વ્યાજ દરો નક્કી કરે છે તે હાલમાં 4% છે અને રિવર્સ રેપો રેટ 3.35% છે.
RBIએ સતત 10મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. વર્ષ 2020ની શરૂઆતમાં, કેન્દ્રીય બેંકે માર્ચમાં રેપો રેટમાં 0.75% (75 bps) અને મેમાં 0.40% (40 bps)નો ઘટાડો કર્યો હતો અને ત્યારથી રેપો રેટ 4%ના ઐતિહાસિક નીચલા સ્તરે સરકી ગયો છે. ત્યારપછી આરબીઆઈએ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.