
ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે દૂધનું ઉત્પાદન ઘટ્યું, ભાવ વધારાની પશુપાલકોની માંગણી
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે. બીજી તરફ દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ પશુઓનો આહાર અને ઘાસચારો મોંઘો થતા પશુપાલનોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો કરવા માટે દૂધ ફેડરેશનને રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી જિલ્લા દૂધ સંઘના ડિરેક્ટર નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ રાણાએ દૂધ ફેડરેશનના એમ. ડી. શ્રી સોઢી ને રજુઆત કરી હતી કે, હાલ ઉનાળાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની ગરમીને કારણે દૂધ ઉત્પાદન પણ ધટી ગયું છે. તેમજ પશુનો આહાર ખાણદાણ, ખોળ, ઘાસના ભાવો વધારે છે. ગતવર્ષ કરતા હાલમાં દૂધના ભાવ બહુ જ ઓછા છે. હાલમાં દૂધના ફેટ દીઠ 6.35 રૂપિયા પશુપાલકોને મળે છે.આ દૂધના ભાવો બહુ જ ઓછા છે અને એક પાછલા ઘણા સમય થી દૂધના ભાવમાં વધારો કર્યો નથી. તેથી દૂધના ભાવ વધારવા માંગણી ઉઠી છે. દૂધના ભાવો નહિ વધારાય તો પશુપાલકોને પશુઓના નિભાવ કરવાનો વ્યવસાય છોડવો પડશે. જો આપણે ભાવ નહીં વધારીયે, તો પ્રાઇવેટવાળા ઉચા ભાવ આપી દૂધ લઈ જશે. જેના કારણે આપણી મંડળીઓ તથા દુધ સંઘને નુકસાન થશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પશુપાલનનો વ્યવસાય વધ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા પશુપાલનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ પશુપાલકોને વિવિધ યોજનાઓ હેઠળ આર્થિક મદદ કરવામાં આવે છે.