Site icon Revoi.in

જ્વેલર્સના શો રૂમમાં જઈ સોનાની વીંટીઓ સેરવીને નકલી પધરાવતી મહિલા પકડાઈ

Social Share

અમદાવાદ, 11 જાન્યુઆરી 2026:   શહેરમાં જ્વેલર્સના શો રૂમમાં ગ્રાહક બનીને જતી મહિલા સોનાની વિંટીઓ ખરીદવાનું કહીને જવેલર્સના કર્મચારીઓની જનર ચુકવીને સોનાની વિંટીઓ સેરવીને તેના સ્થાને સોના જેવી જ તે જ ડિઝાઈનની બગસરાની નકલી વિંટીઓ મુકી દેતી હતી. શહેરની નરોડા પોલીસે બાતમીને આધારે મહિલાની ધરપકડ કરી છે, મહિલાએ જ્વેલર્સના શો રૂમમાં 5 જેટલી ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

શહેરના વિવિધ જ્વેલર્સ શો-રૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. આ મહિલાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. મહિલા પોતાની પાસે સોના જેવી જ દેખાતી બગસરાની વીંટીઓ રાખતી અને જ્વેલર્સના કર્મચારીઓની નજર ચૂકવી અસલી સોનાની વીંટી ઉઠાવી એની જગ્યાએ નકલી વીંટી પધરાવી દઈ ફરાર થઈ જતી હતી. ભૂતકાળમાં 7 ગુનામાં સંડોવાયેલી આ મહિલાએ હાલ અમદાવાદમાં વધુ 5 ચોરીની કબૂલાત કરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના વિવિધ જ્વેલર્સ-શોપમાં શાતિર મહિલા પ્રવીણાએ ચોરી કરતી હતી. પ્રવીણા સોનાની વીંટી હોય એવી જ બગસરાની વીંટીનો સ્ટોક કરીને રાખતી હતી. જ્યારે પણ તે જ્વેલર્સ શોપમાં ચોરી કરવા માટે જાય ત્યારે બગસરાની વીંટી સાથે લઈને જતી હતી. સેલ્સમેન વીંટી બતાવે ત્યારે પ્રવીણા નજર ચૂકવીને બગસરાની વીંટી મૂકી દેતી હતી અને સોનાની વીંટી લઈ લેતી હતી. એ બાદ વીંટી પસંદ નથી આવી એવું કહીને પ્રવીણા જતી રહેતી હતી. જ્યારે શોપમાલિક કે કર્મચારીઓને ખબર પડે ત્યાં સુધીમાં પ્રવીણા દૂર નીકળી જતી હતી. દરમિયાન નરોડા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે જ્વેલર્સની શોપમાંથી સોનાની વીંટીની ચોરી કરનાર એક મહિલા જાંબલી કલરનો ડ્રેસ પહેરીને નરોડા સ્મશાનની પાછળના ભાગે ઊભી છે. બાતમીના આધારે નરોડા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાની અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાનું નામ પ્રવીણા સેનવા અને તે હાલ વડોદરા ખાતે આવેલા ઔડાના મકાનમાં રહેતી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે પ્રવીણાની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરી હતી.

Exit mobile version