અમદાવાદ, 22 માર્ચ 2026: Icer truck hits car રાજ્યના હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ મહેસાણા હાઈવે પર શેરથા નજીક સર્જાયો છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર આજે કલોલના શેરથા બાયપાસ પાસે એક બેકાબૂ બનેલી આઈસર ટ્રકે કારને અડફેટે લીધી હતી. આઈસર ટ્રક પલટી ખાઈને સીધી બાજુમાં જઈ રહેલી કાર પર ખાબકતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું આઈસર નીચે ચગદાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદથી મહેસાણા તરફ જતા હાઈવે પર શેરથા બાયપાસ નજીક પૂરપાટ ઝડપે જતી આઈસર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક પલટી મારીને બાજુમાં પસાર થતી કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં પ્રવાસ કરી રહેલી મહિલાને બહાર કાઢવાની તક મળે તે પહેલા જ ટ્રકના ભારે વજન નીચે દબાઈ જવાથી તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ અકસ્માત બાદ હાઈવે પર બંને બાજુ કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. અકસ્માતની જાણ થતા જ ટોલ રોડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જોકે અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહેસાણા હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે અને માર્ગ-મકાન વિભાગ તેમજ GRICL કંપની માત્ર ટોલ ઉઘરાવવામાં રસ ધરાવે છે. પરંતુ રોડ સેફ્ટી અને રસ્તાની જાળવણી બાબતે ઘોર બેદરકારી દાખવે છે. રોડની ડિઝાઇન અને સુરક્ષાની અનેક ખામીઓના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. હાલમાં અડાલજ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મહેસાણા તરફથી આઇસર ટ્રકમાં મોટું મશીન હતું. અડાલજ તરફ જતી વેળાએ શેરથા રામદેવપીર મંદિર નજીકના હાઈવે રોડ પર બમ્પ કૂદતા ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો હતો. અને ટ્રક પલટીને સીધી કાર પર પડી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે ચાલકને પણ ગંભીર ઇજાઓ થઈ છે. હાલમાં તપાસ ચાલુ છે.

