મુંબઈઃ સોનાના વેપારમાં મોટા નફાના બહાને નવી મુંબઈના 62 વર્ષીય વૃદ્ધ સાથે 73.72 લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ મહારાષ્ટ્રમાં એક મહિલા સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી મહિલા માર્ચ અને મે 2024 દરમિયાન ‘ડેટિંગ એપ’ દ્વારા નવા પનવેલ વિસ્તારમાં રહેતા વૃદ્ધના સંપર્કમાં આવી હતી.
ખાંડેશ્વર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક પરિચય પછી, બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત ચાલુ રહી, જે દરમિયાન જીયા તરીકે ઓળખાવતી મહિલાએ વૃદ્ધને સોનાના વેપાર યોજનામાં રોકાણ કરવાની લાલચ આપી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલાએ પીડિતને મોટા નફાની ખાતરી આપી અને તેને ચોક્કસ ટ્રેડિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે સમજાવ્યા હતા. પીડિતએ પછી ત્રણ મહિનાના સમયગાળામાં 73.72 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. જોકે, જ્યારે પીડિતને પછીથી કોઈ લાભ ન મળ્યો, ત્યારે તેને શંકા ગઈ હતી.
જ્યારે તેમણે કહેલા લાભો અને રોકાણ કરેલી રકમ વિશે પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહિલાએ જવાબ આપવાનું બંધ કરી દીધું અને આખરે સંપર્ક છૂટી ગયો હતો. પ્રાથમિક તપાસ બાદ, પોલીસે 4 જુલાઈના રોજ ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) અને 34 (સામાન્ય હેતુ) અને માહિતી ટેકનોલોજી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.