
સુરતઃ શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકો મ્યુનિ,સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે. દિવાળીના તહેવારોમાં લોકો એકબીજાના પરિવારના ઘરે અવર-જવર કરતા હોય છે. એવી સ્થિતિમાં મહિલાઓ અને બાળકો પણ પોતાના ગંતવ્ય સ્થળ ઉપર જઈ શકે તેના માટે મ્યુનિ. દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન મહિલાઓ અને બાળકો પોતાના શહેરમાં રહેતા અન્ય પરિવારજનોને મળવા જઈ શકે એના માટેની વ્યવસ્થા કરવી જરૂરી છે. દિવાળી ટાણે મહિલાઓ ખરીદી કરવા માટે પણ ખૂબ મોટા પ્રમાણમાં બજારમાં જતી હોય છે. મહિલાઓને વિનામૂલ્યે પોતાના ગંતવ્ય સ્થળ ઉપર દિવાળીના સમયે જવા મળે તે માટે વ્યવસ્થા કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કમિશનરને જાણ કરી છે. મહિલાઓ તેમજ 15 વર્ષ સુધીના બાળકોને પણ સિટી બસ અને બીઆરટીએસ બસની મુસાફરી વિનામૂલ્યે કરી શકે તે માટે સૂચન કર્યું છે.
મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે જણાવ્યું કે, દિવાળી દરમિયાન મહિલાઓ શોપિંગ કરવા માટે ઘરની બહાર જતી હોય છે. તેમજ ઘણી બધી મહિલાઓ કે જેનું પિયર પક્ષ પણ શહેરમાં જ હોય છે. તેઓ દિવાળી સમયે ત્યાં અવર-જવર કરતી હોય છે. તેમની સાથે તેમના બાળકો પણ જતા આવતા હોય છે. ખાસ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે મુસાફરી કરવા દેવામાં આવે તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે. અમારો આશય શહેરની જે સેવાઓ છે તેનો વધુમાં વધુ લોકો સારી રીતે લાભ લેતા રહે તે જરૂરી છે. તહેવારોના દિવસોમાં ખાસ શહેરીજનો માટે આ પ્રકારનું નિર્ણય લેવાયો છે.