Site icon Revoi.in

વાપીમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાડાઓને લીધે મહિલાઓએ કર્યો ચક્કાજામ

Social Share

વલસાડઃ જિલ્લાના વાપીમાંથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. અને તેના લીધે વાહનો પસાર થતાં જ ધૂળની ડમરીઓ ઉડે છે તેથી હાઈવેની આજુબાજુની સોસાયટીના રહીશો ભારે પરેશાન થઈ રહ્યા છે. આ મુદ્દે આગાઉ પણ રજુઆત કરવા છતાંયે કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે અડધો કલાક મહિલાઓને સમજાવીને હાઈવેને ખૂલ્લો કર્યો હતો.

વાપીમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર ધૂળની ડમરી ઉડતા વાહનચાલકોની સાથે સ્થાનિક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. ટ્રાફિથી સતત વ્યસ્ત રહેતા હાઈવે પર ઠેર ઠેર ખાડા પડતા અને વાહનો પસાર થાય ત્યારે ખાડાઓમાંથી માટી ઉડતા હાઈવે આજુબાજુની સોસાયટીઓના લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. આથી સ્થાનિક મહિલાઓએ હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને હાઈવેને બાનમાં લીધો હતો.  હાઈવેના બગવાડા ટોલનાકા નજીક શુભમ ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાઇવે પર ચક્કાજામ કરતા વાહનો ઠંભી ગયા હતા. અને હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેની હાલત ચોમાસામાં અત્યંત ખરાબ થઈ ગઈ છે. વરસાદી માહોલમાં હાઇવે પર પડેલા ખાડાઓ દેખાતા નહીં હોવાથી અકસ્માતોના બનાવો બની રહ્યા છે.  ચાર દિવસ સુધી વરસાદે વિરામ લેતા હાઇવે પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે.  હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો તો આ ધૂળની સમસ્યાથી પરેશાન હતા.  તેનાથી પણ ખરાબ હાલ હાઇવેની બાજુમાં રહેતી સોસાયટીઓના લોકોની છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મહિલાઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનને કારણે હાઇવે પર લાંબી વાહનોની કતારો જામી હતી. રોષે ભરાયેલી મહિલાઓએ તાત્કાલિક હાઈવેનું રીપેરીંગ કરવામાં આવે અને ઉડતી ધૂળની ડમરીઓથી છુટકારો મળે તેવી રજૂઆત કરી હતી.