6 વર્ષની વય પૂર્ણ કરેલા બાળકોને પ્રવેશના નિયમ સામે રિટ, HCએ સરકાર પાસે જવાબ માગ્યો
અમદાવાદઃ ગુજરાતમાં જુન-જુલાઈથી શરૂ થતા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે. જેમાં પ્રાથમિક શાળાઓમાં 1લાં ધોરણમાં 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ પ્રવેશ આપવામાં આવશે. સરકારની આ નીતિ સામે વાલીઓમાં વિરોધ ઊઠ્યો છે. દરમિયાન એક વાલીએ ગુજરાત હાઈકોર્ટમાં સરકારના આ નિયમ સામે રિટ કરતાં હાઈકોર્ટે સોગંદનામા સાથે જવાબ રજુ કરવા સરકારને આધેશ કર્યો છે.
ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં જુન-2023 થી એટલે કે નવા શૈક્ષણિક સત્રથી છ વર્ષ પુરા કરનારા બાળકોને જ ધો.1 માં પ્રવેશ આપવાના નિયમના પગલે હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી છે. જેમાં અરજદાર તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે છ વર્ષમાં અમુક જ દિવસો ખૂટે છે અને આરટીઆઈના કાયદાની જોગવાઈઓ અન્વયે દરેક બાળકને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર છે. સાથે જ આ મામલે વિશિષ્ટ જોગવાઈ હેઠળ છ મહિનાની મુકિત પણ આપવામાં આવી છે.ત્યારે અરજદાર બાળકને પ્રવેશ ફાળવવો જોઈએ જોકે રાજય સરકાર તરફથી અરજીનો વિરોધ કરીને વિવિધ કાયદાકીય જોગવાઈઓ અને સરકારી ઠરાવ વગેરે દર્શાવવામાં આવ્યા હતા. જેથી હાઈકોર્ટનાં એકટીંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને જસ્ટીસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે રાજય સરકારને સોગંદનામું કરીને તમામ સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં અરજદારે હાઈકોર્ટ સમક્ષ મફત અને ફરજીયાત શિક્ષણના અધિકારનો મામલો ઉઠાવ્યો હતો. ત્યારે એકટીંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને જસ્ટીસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે ટકોર કરી હતી કે તમને કોણ પ્રવેશ આપવાથી ઈન્કાર કરી રહ્યું છે.પરંતુ બાળક ચોકકસ ઉંમરે પહોંચ્યો હોવો તો જોઈએ. કાલ ઉઠીને તમે એક વર્ષનાં બાળકને કહેશો કે અમને મફત અને ફરજીયાત શિક્ષણ આપો તો એવુ કંઈ રીતે શકય છે.
અરજદારની દલીલ હતી કે અમે ફ્રી શિક્ષણની વાત જ કરતા નથી. કાયદાની ધારા 15 હેઠળ જણાવવામાં આવ્યુ છે. કે, બાળકને પ્રવેશનો ઈન્કાર કરી શકાય નહિં, .30 નવેમ્બર સુધી જન્મ્યા હોય એવા બાળકોને પણ પ્રવેશ આપવો જોઈએ.
સરકારે પક્ષે એવી રજુઆત કરવામાં આવી હતીકે, વિશિષ્ટ છુટ કેટલાંક ખાસ સંજોગોમાં અપાઈ છે. જેમાં માઈગ્રેશન કે તબિયતના કારણે બાળકને પ્રવેશ ન મળ્યો હોય તો એવા ખાસ સંજોગોમાં ધારા 15 હેઠળ પ્રવેશ માટેની કટ ઓફ ડેટમાં છ મહિનાની મુકિત આપવામાં આવે છે અને આવા સંજોગોમાં પ્રવેશમાં ફલેકિસબીલીટી રાખવાની હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જ આવા ત્રણ લાખ વિદ્યાર્થીઓ છે તે પ્રભાવીત થઈ શકે છે, જો તેમને રીપીટ અથવા ડ્રોપ લેવાનો વારો આવે. આ નિયમના પગલે નકકી કરેલી ઉમર પૂર્ણ ન થતી હોવાથી બાળકોને કેજીમાં રીપીટ અથવા ડ્રોપ લેવો પડે એવી પરિસ્થિતિ છે.આવા જ મુદ્દે થયેલી અન્ય રીટમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે જે રાજય સરકાર દ્વારા જ આ પરિસ્થિતિને નજર અંદાજ કરવામાં આવી છે.
જોકે રાજ્ય સરકારે શાળાઓમાં બાળવાટિકા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.