 
                                    ભાવનગરઃ જિલ્લાના શીપ બ્રેકિંગ યાર્ડમાંથી ટ્રકમાં ભરવામાં આવતા માલ-સામાનની મજુરીના મુદ્દે ટ્રક-ટ્રાન્સપોર્ટરો, શીપ બ્રેકર્સ, અને રિ-રોલીંગમિલોના સંચાવકો વચ્ચે વૈમનસ્ય સર્જાતા ટ્રક ઓપરેટરોએ હડતાળ પાડી હતી. તેના લીધે શીપ યાર્ડમાં માલનો ભરાવો થઈ ગયો હતો. આખરે સમાધાન થતા ટ્રાન્સપોર્ટરો દ્વારા કરવામાં આવેલી હડતાલનો સુખદ અંત આવ્યો હતો. ભાવનગર સૌરાષ્ટ્ર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ તમામ બાબતે મધ્યસ્થી કરી અને અલંગ શિપ રિસાઈકલિંગ એસોસિએશન તેમજ રોલિંગ મિલ્સ એસોસિયેશન સાથે વાતચીત કરી અને ટ્રક ટ્રાન્સપોર્ટની માંગને સ્વીકારી અને હડતાળ પૂર્ણ કરવા અંગે નિર્ણય કર્યો હતો. જેને પગલે આજથી અલંગ ફરીથી ધમધમતું થયું છે.
વિશ્વ પ્રસિદ્ધ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે ટ્રાન્સપોર્ટરો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. આજે પ્રકારે સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને ટ્રક માલિકો ને ટ્રક ચલાવવા ખૂબ જ મુશ્કેલ બન્યા છે. આ ઉપરાંત અલંગ ખાતે લોડિંગ ચાર્જ અને હમાલી ચાર્જ પણ ટ્રક માલિકો ને આપવો પડતો હતો. આ અંગે કોરોના મહામારી બાદ ટ્રક માલિકો ને ટ્રક ચલાવવા મુશ્કેલ બન્યા હતા ત્યારે આખરે ટ્રક માલિકો દ્વારા હડતાલ પાડી દેવામાં આવી હતી. ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ ને લઈને અલંગ ખાતે ખૂબ જ મુશ્કેલી સર્જાઇ હતી. માલ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાઓ તેમજ અલંગ બહાર માલ મોકલાવી આપવા સહિતની કામગીરી ઠપ થઈ ગઈ હતી. જેને લઇને અલંગ એસોસિએશન દ્વારા પણ કટીંગ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. આ તમામ હડતાલને પગલે અલંગ ખાતે મજૂરીકામ કરતા હજારો મજૂરો બેરોજગાર બન્યા હતા. આ મજૂરોની મુશ્કેલીને લઈને હડતાલ ઝડપથી સમેટાય તે અંગે વિવિધ લોકો દ્વારા મધ્યસ્થી કરી ને હડતાલ પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં ભાવનગર સૌરાષ્ટ્ર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મધ્યસ્થી કરવામાં આવતા ટ્રાન્સપોર્ટરોની માંગને સ્વીકારી અને આજથી ફરી અલંગમાં તમામ કામગીરીનો પ્રારંભ કરાયો છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

