યાત્રાધામ અંબાજીનું મંદિર 25મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાને કારણે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુઓ આવી રહ્યા છે. જેમાં વેકેશન અને દિવાળીના તહેવારોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળતા હોય છે. દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દિવાળીના પર્વ બાદ પ્રથમ દિવસે અમાસ છે. એટલે કે પડતર દિવસ છે. અને ત્યારબાદ બીજા દિવસે નવા વર્ષનો પ્રારંભ થશે. આ વખતે અમાવસ્યના દિને એટલે કે તા.25મી ઓકટોબરના દિવસે સૂર્યગ્રહણ છે. એટલે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માઁ જગતજનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે, આસ્થાના કેન્દ્ર અંબાજીમાં માતાજીના દર્શન કરવા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો અંબાજી આવતા હોય છે અને માઁ જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે. કોઈપણ પર્વ કે ઉત્સવ નિમિત્તે માઁ અંબાના ધામે દર્શનાર્થીઓનો ઘસારો પણ વધી જતો હોય છે. તારીખ 25/10/22ના રોજ આસો સુદ અમાવસના દિવસે સૂર્ય ગ્રહણ હોવાના કારણે અંબાજી મંદિર બંધ રહશે. એટલે સૂર્ય ગ્રહણ હોવાના કારણે માઇભક્તોને માતાજીના દર્શન નહિ થઈ શકે. સૂર્ય ગ્રહણ હોવાના કારણે ધાર્મિક વિધિઓ અને પૂજા પાઠ નહીં થાય અને માતાજીના દર્શન પણ દર્શનાર્થીઓને નહીં થઈ શકે. 25/10/22ના રોજ અમાવસના રોજ સૂર્ય ગ્રહણ હોવાના કારણે અંબાજી મંદિરમાં વેહલી સવારે માતાજીની આરતી 4 કલાકે કરવામાં આવશે. સવારે 4:30 કલાક પછી રાત્રે 9 કલાક સુધી અંબાજી મંદિર બંધ રહશે. અંબાજી મંદિરમાં માતાજીની રાત્રે આરતી આશરે 9:30 કલાકે કરવામાં આવશે. અમાવસના દિવસે સૂર્ય ગ્રહણ હોવાના કારણે સવારે 4:30થી રાત્રે 9 વાગ્યા સુધી દર્શનને લઈ ભક્તો માટે અંબાજી મંદિર બંધ રહેશે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

