1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદની પોળોમાં હેરિટેજ મકાનો તૂટીને બિલ્ડિંગો બની ગયા છતાં હજુ પગલા લેવાયાં નથી
અમદાવાદની પોળોમાં હેરિટેજ મકાનો તૂટીને બિલ્ડિંગો બની ગયા છતાં હજુ પગલા લેવાયાં નથી

અમદાવાદની પોળોમાં હેરિટેજ મકાનો તૂટીને બિલ્ડિંગો બની ગયા છતાં હજુ પગલા લેવાયાં નથી

0
Social Share

અમદાવાદઃ શહેર વિશ્વ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે, શહેરની પોળોમાં અનેક હેરિડેઝ બિલ્ડિંગો આવેલા છે. તાજેતરમાં જ મ્યુનિ. કોર્પોરેશને રાયખડ દરવાજાને હેરિટેજ લૂક આપી લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં ઓગસ્ટ 2019માં હેરિટેજ કમિટીની બેઠકમાં 31 હેરિટેજ બિલ્ડિંગો તૂટી તેને સ્થાને નવા બિલ્ડિંગ બનવા સામે પગલાં લેવા નિર્ણય કરાયો હતો. પણ બે સિવાય કોઈ બિલ્ડિંગ સામે પગલાં લેવાયા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં 2200 કરતાં પણ વધારે બિલ્ડિંગ હેરિટેજમાં આવે છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ પંકજ ભટ્ટના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2019માં મળેલી હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની બેઠકમાં એવો મુદ્દો બહાર આવ્યો હતો કે, શહેરમાં 31 હેરિટેજ મકાનો તૂટીને તેને સ્થાને કેટલીક જગ્યાએ નવા બિલ્ડિંગ બની ગયા છે. તો ક્યાંક ખુલ્લા પ્લોટ થઇ ગયા છે. ત્યાર બાદ મ્યુનિ.એ આ 31 બિલ્ડિંગ સામે પગલા લેવા માટે સૂચના અપાઈ હતી. જેમાં આવા હેરિટેજને સ્થાને બનેલા બિલ્ડિંગ તોડી પાડવા કહેવાયું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં હેરિટેજ બિલ્ડિંગમાં કેટલાક સમારકામ, ઉપયોગના ફેરફાર સહિત કેટલીક બાબતોમાં કમિટી દ્વારા નિર્ણય લેવાય છે. જેમાં પણ કેટલીક શંકા પ્રેરે તેવા નિર્ણયો લેવામાં આવે છે. જે હેરિટેજ મકાનો તૂટી ગયા છે. તેમાં પણ કાળુપુર દરવાજા, દૂધવાળી પોળ, જાદાભગતની પોળ, મોટી સોલેપરી પોળ, વસ્તાઘેલાની પોળ, શાંતિનાથની પોળ, વેરાઇ પાડાની પોળ, પિત્તળિયા પોળ, માણેકચોક સરકીવાડ, તળિયાની પોળ સહિતની અનેક પોળોમાં આ પ્રકારના હેરિટેજ મકાનો તૂટી ગયા છે. જેમાં મ્યુનિ. દ્વારા નોટિસો અપાઇ છે. પણ ત્યારબાદ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી, મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો માત્ર નોટિસ આપીને જ સંતોષ માને છે. શહેરના કેટલાક હેરિટેજ મકાનો એવા છે કે તેની સાર-સંભાળ રાખવામાં આવતી ન હોવાથી  મકાનો જર્જરિત થઈ ગયા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code